મોરબીના 35 ટકા વિસ્તારમાં દૈનિક ડોર ટુ ડોર કચરો એકત્રિત નથી થતો : સર્વેનું તારણ

- text


 

99 ટકા ઘરમાં જાજરૂની વ્યવસ્થા, એક ટકા લોકો હજુ પણ દરરોજ નથી ન્હાતા ! મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ઘરેલુ સ્વચ્છતા અંગે શહેરનો રસપ્રદ સર્વે કરાયો

મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ હજુપણ અનેક સુવિધાઓ ખૂટી રહી છે ત્યારે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ઘરેલુ સ્વચ્છતા અંગે હાથ ધરેલા સર્વેક્ષણમાં રસપ્રદ અને તંત્રની પોલ ખોલતા તારણો બહાર આવ્યા છે.આ સર્વેના તારણો મુજબ મોરબીના 35 ટકાથી વધુ બહેનોએ નિયમિત રીતે દૈનિક કચરો એકત્રિત કરવા વાહન તેમને ત્યાં આવતું ન હોવાનું જણાવ્યું હતું, તો સારી બાબત એ છે કે મોરબીમાં 99 ટકા ઘરમાં જાજરૂની સુવિધા છે, જો કે આજના સમયમાં પણ હજુ નહાવાના ચોર પડ્યા છે અને સર્વે મુજબ એક ટકા લોકો દૈનિક નાહવાનું પસંદ કરતા નથી.

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના સંશોધક ડો.રામભાઈ કરશનભાઇ વારોતરિયાએ શહેરની નિરક્ષર,પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ધરાવતી 40 વર્ષ અને તેથી વધુ વયજૂથની 500 જેટલા અલગ અલગ વિસ્તારમાં રહેતા બહેનોનો સર્વે હાથ ધરી ઘરેલુ સ્વચ્છતા સંદર્ભે પાંચ કેટેગરીમાં પ્રશ્નોતરી કરી અલગ-અલગ 34 જેટલા મહત્વપૂર્ણ જવાબ મેળવવામાં આવ્યા છે. ઘરેલુ સ્વચ્છતા અંગેના આ સર્વેક્ષણ 40 વર્ષથી ઓછી ઉંમરના 309,40 વર્ષથી વધુ ઉંમરના 191 મહિલાઓના જવાબ મેળવવામાં આવ્યા હતા જેમાં 106 મહિલાઓ નિરક્ષર, 224 મહિલાઓ પ્રાથમિક શિક્ષણ મેળવેલ, 121 માધ્યમિક અને 49 મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે.

ઘરેલુ સ્વચ્છતા સંદર્ભે થયેલા આ સર્વેક્ષણ મુજબ મોરબીના સરેરાશ 83 ટકા મહિલાઓ દરેક શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા પાણીથી સાફ કરે છે જયારે 15.4 ટકા મહિલાઓ જરૂર જણાય તો જ શાકભાજી પાણીથી ધુએ છે, મજાની વાત એ છે કે શિક્ષણ મેળવનાર મહિલાઓની તુલનાએ નિરક્ષર મહિલાઓ શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા પાણીથી સાફ કરવા જ જોઈએ તેવું માને છે અને તેમની ટકાવારી 90.6 ટકા હતી.એ જ રીતે રસોઈમાં ઉપયોગમાં લેતા પહેલા વાસણો સ્વચ્છ છે કે કેમ તેની 95.8 ટકા મહિલાઓ ચકાસણી કરતી હોવાનું અને આ પ્રક્રિયામાં પણ ભણેલી ગણેલી મહિલાઓની તુલનાએ નિરક્ષર અને પ્રાથમિક શિક્ષણ મેળવનાર મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવનાર મહિલાઓથી મોખરે રહી હતી.

આ ઉપરાંત વેલણ, ચપ્પુ, બ્લેન્ડર, જેવા સાધનોની સફાઈ કરવામાં સરેરાશ 17.4 ટકા મહિલાઓ જરૂર જણાય તો જ સફાઈ કરતી હોવાનું અને 80.6 ટકા મહિલાઓ દરેક વખતે આવી ચીજ ઉપયોગમાં લેતા પહેલા સફાઈ કરતા હોવાના તારણો મળ્યા હતા. જયારે રસોઈ બનાવતા પહેલા હાથ સાફ કરવામાં 5 ટકા મહિલાઓ જરૂર જણાય તો જ હાથ ધોતા હોવનનું અને 72.8 ટકા મહિલાઓ હંમેશા હાથ ધોઈને જ રસોઈ શરૂ કરતા હોવાના તારણ સામે આવ્યા છે. જો કે પાણીના માટલાની સફાઈમાં 80.6 ટકા મહિલાઓ દરરોજ સફાઈ કરતા હોવાનું અને 17.8 ટકા મહિલા એક કે બે દિવસે માટલા ધોતા હોવાનું તેમજ 0.8 ટકા મહિલાઓ અઠવાડીએ એક વખત માટલું સાફ કરતા હોવાનો જવાબ આપ્યો હતો.મજાની વાત એ છે કે આજના સમયમાં મોરબીની 81 ટકા મહિલાઓ નળ વાળું 19 ટકા મહિલાઓ નળ વગરનું માટલું વાપરતા હોવાનું જણાવ્યું હતું.

- text

બીજી મહત્વની બાબત જોઈએ તો મોરબીમાં પાલિકા ફિલ્ટર કરેલું પાણી વિતરણ કરતી હોવાના દાવા વચ્ચે મોરબીમાં 58 ટકા લોકો આરઓ પ્લાન્ટનું વેચાતું પાણી લેતા હોવાનું અને 25 ટકા લોકો નગરપાલિકા દ્વારા વિતરણ થતું પાણી પિતા હોવાનું તારણ સામે આવ્યું છે જયારે 13 ટકા લોકો ઘરમાં વસાવેલ આરઓનું પાણી પીવે છે અને 3.2 ટકા લોકો દર કે કૂવાનું પાણી પિતા હોવાનું સ્પષ્ટ બન્યું છે.જો કે સર્વે મુજબ 61 ટકા નિરક્ષર મહિલાઓ આરઓ પ્લાન્ટનું પાણી વાપરવા આગ્રહ રાખે છે જેની તુલનાએ ઉચ્ચ શિક્ષણ મેળવનાર મહિલાઓનું પ્રમાણ 51 ટકા હોવાનું સામે આવ્યું છે. જમતા પહેલા હાથ ધોવાનો રેશ્યો જોઈએ તો 72.6 ટકા લોકો હંમેશા જમતા પહેલા હાથ ધોતા હોવાનું અને 6.4 ટકા લોકો જરૂર જણાઈ તો જ હાથ ધોતા હોવાનું સામે આવ્યું છે.

ઘરેલુ સ્વચ્છતામાં સૌથી મહત્વની બાબત જોઈએ તો મોરબીના 96 ટકા ઘરમાં કચરા ટોપલી વસાવવામાં આવી છે અને 4 ટકા ઘરમાં આ વ્યવસ્થા નથી, જયારે સ્ત્રોત મુજબ કચરા નિકાલના પ્રમાણ જોઈએ તો હજુ પણ મોરબીની 53 ટકા ગૃહિણીઓ દૂર ખુલ્લી જગ્યામાં કચરાનો નિકાલ કરે છે અને 19.8 ટકા મહિલાઓ જ કચરો એકત્રિત કરવા આવતા વાહનોમાં કચરો નાખે છે જ્યારે 26.8 ટકા ગૃહિણીઓ અન્યત્ર કચરાનો સ્ત્રોત પ્રમાણે નિકાલ કરતા હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. સરકાર દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની વ્યવસ્થા મોરબીમાં મહદઅંશે રંગ લાવી છે સર્વે મુજબ મોરબીમાં 77 ટકાથી વધુ ગૃહિણીઓ બન્ને કચરા અલગ તારવે છે જયારે 22.6 ટકા મહિલાઓ સૂકો-લીલો કચરો અલગ તારવતા ન હોવાના જવાબ આપ્યા હતા.

સૌથી મહત્વની બાબત કહી શકાય તેવી બાબત એટલે કે રાંધેલો ખોરાક વધ્યા બાદ મોરબીના 89.4 ટકા ગૃહિણીઓ ગાય, ઢોર કે કૂતરાને વધેલો ખોરાક આપે છે જેમાં નિરક્ષર મહિલાઓનું પ્રમાણ 90.6 ટકા અને ઉચ્ચ શિક્ષણ પામેલ ગૃહિણીઓનું પ્રમાણ 83.7 ટકા હોવાનું સામે આવ્યું છે, 8 ટકા મહિલાઓ વધેલા ખોરાકને કચરાપેટીમાં અને 2.2 ટકા મહિલા ખુલ્લી જગ્યામાં વધેલો ખોરાક ફેંકી દેતા હોવાનો સર્વેમાં જવાબ મળ્યો હતો.

મોરબી નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વખતે અગ્રેસર સ્થાન મળી રહ્યું છે આમ છતાં પણ શહેરમાં ઘરેઘરેથી નિયમિત પણે કચરો એકત્રિત થતો ન હોવાનું ગૃહિણીઓ જણાવી રહી છે. આ સર્વેક્ષણ મુજબ મોરબીની 15 ટકા મહિલાઓએ દરરોજ કચરો લેવા માટે વાહન આવતું હોવાનું જણાવ્યું હતુ. જ્યારે 31.2 ટકા મહિલાઓએ દર બે દિવસે વાહન આવતું હોવાનું, 9.4 ટકા મહિલાઓએ દર ત્રણ કે ચાર દિવસે વાહન આવતું હોવાનું અને 35.8 ટકા મહિલાઓએ તેમના વિસ્તારમાં કચરો લેવા માટે વાહન આવતું જ ન હોવાનું જણાવી મોરબી નગરપાલિકાની ડોર – ટુ – ડોર ગાર્બેજ કલેક્શનના દવાની પોલ ઉઘાડી પાડી છે.

આ સર્વેમાં 99.8 ટકા ઘરમાં સંડાસ બાથરૂમની સુવિધા હોવાનું અને 77.2 ટકા ઘરમાં ગેંડીની વ્યવસ્થા હોવાનું તેમજ 83 ટકા ઘરમાં દરરોજ સંડાસ બાથરૂમની નિયમિત સફાઈ થતી હોવાના તારણો સામે આવ્યા હતા. જયારે ઘરના સભ્યો દરરોજ ન્હાતા હોવાની બાબતમાં 94.8 ટકા લોકો નિયમિત દરરોજ સ્નાન કરતા હોવાનું અને 1 ટકા લોકો હજુ નિયમિત દૈનિક સ્નાન કરતા ન હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતા અભિયાનથી જાગૃતિ આવી હોવાનું 86.8 ટકા મહિલાઓએ સ્વીકારી ટીવી,છાપા, મોબાઈલ જેવા માધ્યમો સ્વચ્છતા જાગૃતિ માટે અસરકારક સાબિત થયા હોવાનું 85 ટકા ગૃહિણીઓએ હકારમાં જવાબો આપ્યા હતા તો યુવાનો અને અભ્યાસ કરતા બાળકોમાં સ્વચ્છતા અંગે વધુ સભાનતા હોવાનું 90 ટકા ગૃહિણીઓએ સર્વેક્ષણમાં જણાવ્યું હતું.

 

- text