મોરબીમાં પાઉંભાજીના ધંધાર્થીનું વ્યાજખોરોએ કચુંબર કાઢી નાખ્યું : લટકામાં મોતની ધમકી 

- text


કોરોના મહામારીમાં ધંધા રોજગાર ભાંગી પડતા રેસ્ટોરન્ટ સંચાલક વ્યાજના વિષચક્રમાં ફસાયા અને વ્યાજખોરોએ મહિને 24 ટકા તોતિંગ વ્યાજ પડાવ્યું 

મોરબી : મોરબીમાં કોરોના મહામારીમાં ધંધા રોજગાર ભાંગી પડતા આર્થિક ખેંચમાં આવી ગયેલા પાઉંભાજીના ધંધાર્થીએ મહિને 24 ટકા તોતિંગ વ્યાજે નાણાં લઈ ઉંચા વ્યાજ સહીત મૂળ રકમ પરત કરી દીધી હોવા છતાં ત્રણ વ્યાજખોરોએ યુવાન પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી જાનથી મારી નાખવા ધમકી આપતા અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં શનાળારોડ ઉપર નવાબસસ્ટેન્ડ સામે રહેતા અને પાઉંભાજીના રેસ્ટોરન્ટ ધરાવતા ધંધાર્થીએ કોરોના મહામારીમાં ધંધા રોજગાર બંધ થતા આર્થિક સંકડામણમાં રવાપરના સંદીપભાઇ જગદીશભાઇ શેરશીયા પાસેથી રૂપિયા બે લાખ દર મહિને 48 હજાર વ્યાજ ચુકવવાની શરતે લઈ કુલ 8.64 લાખ ચૂકવી આપ્યા હતા.

- text

આ ઉપરાંત મહિને 24 ટકા વ્યાજ ચુકવવામાં વધુ નાણાંની ખેંચ પડતા મહેન્દ્રગરના આશીષભાઇ ધીરૂભાઇ વીરડા પાસેથી 24 ટકા માસિક વ્યાજે રૂપિયા 5 લાખ અને ત્યાર બાદ 1 લાખ મળી કુલ રૂપિયા 6 લાખ વ્યાજે લઈ તેમના માણસ રોબીનભાઇ ડુંગરભાઇ ડાભીને નિયમિત વ્યાજ ચૂકવી કુલ રૂપિયા 14.84 લાખ ચૂકવી આપ્યા હતા.

જો કે, આમ છતાં પણ વ્યાજખોર ત્રિપુટી દ્વારા આવર નવાર પાઉંભાજીના રેસ્ટોરન્ટ ઉપર જઈ ધાકધમકી આપી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા અંતે ગઈકાલે આશીષભાઈએ ત્રણેય વ્યાજખોર વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 387,384, 504, 506(2),114 અને ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text