મોરબીના રોયલપાર્કમા ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો, બે ફરાર

- text


એલસીબી ટીમે રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના 85 ફિરકા કબ્જે કર્યા

મોરબી : મોરબીમાં પોલીસ સતત ધોસ બોલાવતી હોવા છતાં પણ છાને ખૂણે ઘાતક ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે મોરબી એલસીબી ટીમે કુબેરનગર નજીક આવેલ રોયલ પાર્કમાં રહેણાંકમા દરોડો પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 85 ફિરકા સાથે એક શખ્સને ઝડપી લઈ અન્ય બે શખ્સના નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે કુબેરનગરમા રહેતો પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા તેના સાગરીતો સાથે મળી મોરબી,રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેતાં કુણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.હાલે તેની પ્રવૃતિ ચાલુ છે.

- text

આ બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી પ્રથમભાઇ મનસુખભાઇ કેલા, રહે. કુબેરનગર, ત્રિલોકધામ મંદિર પાસે મોરબી વાળાના કબ્જામાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા નંગ 85 કિંમત રૂપિયા 17 હજાર મળી આવ્યા હતા. વધુમાં આ ગેરકાનૂની ધંધામાં કુણાલ બટુકભાઇ પિત્રોડા, રહે. મોરબી, રોયલપાર્ક, કુબેરનગર તેમજ વિશાલ મહાદેવભાઇ કાચરોલા, રહે. મોરબી, કુબેરનગર વાળાની સંડોવણી હોવાની આરોપી પ્રથમે કબૂલાત આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ મોરબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text