મોરબીમાં 102 વર્ષીય દાદાને વાજતે ગાજતે અંતિમ વિદાય

- text


છેલ્લી ઘડી સુધી નખમાય રોગ ન હોય સુખેથી સ્વર્ગ સિંધવાનાર દાદાની અંતિમ ઈચ્છા પરુવારજનોએ પૂર્ણ કરી

મોરબી : માણસ જન્મે એટલે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે પણ આપણે ત્યાં વર્ષોથી રિવાજ છે કે માણસ જન્મે ત્યારે એ પ્રસંગને હસીખુશી મનાવે છે પરંતુ મૃત્યુ પામે ત્યારે સ્વજનો રોકકકળ કરીને શોકાતુર થઈને અંતિમ વિદાય આપે છે. અને આવું ન કરીએ તો સમાજમાં ખોટી વાતો થાય છે પણ મોરબીના એક પરિવારે સમાજની પારંપરિક વિચારધારાથી ઉપર ઉઠી પોતાના 102 વર્ષના વયોવૃદ્ધ દાદાના અવસાન પછી એમની ઈચ્છાનુસાર વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢીને જન્મની જેમ મરણના પ્રસંગને પણ દીપાવ્યો હતો.

મોરબીના વજેપર શેરી નંબર 16માં રહેતા અને હસીખુશીથી સદી વટાવી ચૂકેલા 102 વર્ષના નવઘણભાઈ ટપુભાઈ પરમારનું ગઈકાલે અવસાન થયું હતું. એમના પૌત્ર મનુભાઈ પરમારના જણાવ્યા મુજબ તેમના દાદા નવઘણ દાદા જીવનના છેલ્લા પડાવ સુધી ખડેધડે હતા. તેમને નખમાય રોગ ન હતો. 90 વર્ષની જૈફ વય સુધીમાં તેમના દાદા કટલેરીની લારી ચલાવીને ધંધો કરતા હતા. આટલી ઉમરે પણ તેઓ દૂર દૂર સુધી કટલેરીના સમાન લઈને પગપાળા ચાલીને ધંધો કરતા અને 90 વર્ષ પછી આ ધંધો મુક્યા પછી દેવ દર્શને મંદિર સહિત જ્યાં જવાનું હોય ત્યાં ચાલીને જ જતા અને છેલ્લે થોડા બિમાર પડ્યા બાદ ગઈકાલે હસીખુશીથી અંતિમ શ્વાસ લીધો હતો.

- text

જો કે આ દાદાએ મૃત્યુ પામતા પહેલા પરિવારજનોને કહું હતું કે હું સો વર્ષ કરતા પણ વધારે વર્ષ સુખેથી જીવ્યો છું. મૃત્યુ જીવનનું પરમ સત્ય છે એટલે જેમ જન્મનો પ્રસંગ ઉજવો એવી રીતે મરણનો પ્રસંગ પણ ઉજવવો તેથી મારા મૃત્યુ પછી રોકકકળ નહિ કરવાનું અને આનંદ સાથે વાજતે ગાજતે અંતિમ વિદાય આપજો, પરિવારજનોએ સમાજની પરવા કર્યા વગર દાદાનો આ પડ્યો બોલ ઝીલ્યો હતો અને એમની ઈચ્છા મુજબ તેમની વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી હતી. અને આવી રીતે પરિવારજનોએ છેલ્લી ઘડી સુધી નખમાય રોગ ન હોય હાલતા ચાલતા સુખેથી સ્વર્ગ સિંધવાનાર દાદાને વાજતે ગાજતે અંતિમ વિદાય આપી હતી.

- text