મોરબીમાં જુના દેવળીયા ઉમા પરિવારનો સ્નેહમિલન સમારોહ સંપન્ન

- text


બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમત ગમત સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીમાં વસતા જુના દેવળીયા ઉમા પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ મુકામે જુનાદેવળીયા ઉમા પરિવારના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના 336 જેટલાં પરિવાર મોરબીમાં વસે છે.કોરોના પહેલા 2020 માં જ પહેલું સ્નેહમિલન યોજાયું હતું. ત્યારબાદ કોરોના પછી આ બીજું સ્નેહમિલન થયું હતું.

કોરોનાની પરિસ્થિતિમાંથી દેશને બચાવનાર કોરોના વૉરિયર અને દેવળીયા ગામના જ ડૉ. જયેશભાઇ અઘારા, ડૉ.દીપકભાઈ અઘારા (મંગલમ હોસ્પિટલ ),ડૉ. વિપુલભાઈ માલસણા (ગોકુલ હોસ્પિટલ ) ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ઋણ વ્યક્ત કરીને કાર્યક્રમની શરૂઆત કરી. તેમજ નાની નાની બાળાઓએ ઉમિયા માતાજીની આરતી ઉતારી.આ કાર્યક્રમના પહેલા ભાગમાં નાની નાની બાળાઓએ અભિનય સાથે પ્રાર્થના ગીત,દેશભક્તિ ગીત પર નૃત્ય તેમજ ગીતા સાર, મારું ગામ મારો પરિવાર, સભ્યતા કે સિક્કે, સ્વામી વિવેકાનંદ, શિક્ષા નુ મહત્વ, વ્યસનમુક્તિ જેવા વિષયો પર બાળકોએ સ્પીચ આપીને સૌને ખુશ કરી દીધા.

સમાજમાં રાષ્ટ્ર્રપ્રેમ ઉજાગર થાય તેવા હેતુથી રાષ્ટ્રીય ગાનને ગાયીને રમત ગમતનો બીજો ભાગ શરુ કર્યો. કે.જી થી કોલેજ સુધીના બોય્સ અને ગર્લ્સને અલગ અલગ રીતે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, કેટલા રે કેટલા, લંગડી દોડ, ફુગ્ગા ફુલાવવા જેવી રમતો રમીને ખૂબ આનંદ કર્યો.. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમત ગમત માં ભાગ લીધેલ તમામ 160 જેટલાં વિદ્યાર્થીઓને તેમના ધોરણ મુજબ ડોમ્સ કલર કીટ, પેડ અને કંપાસ, ડોક્યુમેન્ટ ફોલ્ડર ફાઈલ જેવા ઇનામ આપીને ઉત્સાહ વધાર્યો હતો. સાથે સાથે રમત ગમતમાં પ્રથમ ત્રણ નંબર અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ દરેક વિદ્યાર્થીને શિલ્ડ આપીને વિશેષ પ્રોત્સાહન આપીને શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં વિશેષ જુના દેવળીયા પરિવારના મેડિકલ ક્ષેત્રમાં ફરજ બજાવતા, મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા તેમજ દેશની રક્ષા કરતા આર્મીમેન, વિભિન્ન ક્ષેત્રમાં ફરજ બજાવતા, રમત ગમત ક્ષેત્રમાં રાષ્ટ્ર્ર કક્ષાએ રમવા ગયેલ આ તમામનો પરિચય કરાવ્યો અને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.આ તકે ગામના અગ્રણીઓએ સંગઠનનો હેતુ, કેવી રીતે એકબીજાને ઉપયોગી થયી શકાય, ધંધાકીય રીતે કેમ ઉપયોગી થાય, સમાજના બાળકો તમામ ક્ષેત્રમાં જુદી જુદી પોસ્ટ પર વધુ માં વધુ જોડાય એવી બાબત પર માર્ગદર્શન આપ્યું હતું.અને સમાજમાં વધતા જતા વ્યશન, ફેશન, અન્ય દુષણો જેવી કેટલીક કુટેવોથી દૂર રહેવા ટકોર કરી હતી. આ તકે દેવળીયા ગામના જ વતની શ્રી જે. એમ. ભોરણીયા સાહેબ (ડેપ્યુટી કલેક્ટર, નડિયાદ જિલ્લો ) એ વ્યસ્તતાને કારણે હાજર ન રહી શકતા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવીને સમાજના કામ માટે હંમેશા મદદ કરવાની તત્પરતા દાખવી હતી.સૌ પરિવારજનોએ સામુહિક ભોજન બાદ દાંડિયા રાસનુ પણ આયોજન કર્યુ હતું. બધા પરિવારજનો ગરબા રમીને પણ ખૂબ આનંદીત થયા હતા. અને બાળકોએ ખૂબ ધીંગા મસ્તી કરીને પોતાના બાળપણને ઉજાગર કર્યુ હતું.

- text

- text