વીતેલા વર્ષમાં મોરબી જિલ્લામાં 669 મહિલાઓને ખરા સમયે મદદ પહોંચાડતી ટીમ અભયમ

- text


વર્ષ 2022માં 423 મહિલાઓને તકલીફ સમયે સ્થળ ઉપર જ પ્રશ્નનું નિરાકરણ કરાયું : 242 કિસ્સામા કાનૂની સહાય

મોરબીઃ 2022નું વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે વિતી ગયેલા વર્ષ 2022માં મોરબી 181 મહિલા હેલ્પલાઈનની ટીમે કાબિલેદાદ કામગીરી કરી છે. વર્ષ 2022માં પીડિત મહિલાઓ માટે મહિલા હેલ્પલાઈનની ટીમ આશીર્વાદ બની છે અને વર્ષ દરમિયાન જિલ્લાની કુલ 669 પીડિત મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી છે.

વર્ષ 2022માં મોરબી 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 669 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી. જેમાંથી 423 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને અન્ય 242 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવી હતી.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ, અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન 24×7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે. ગુજરાત સરકારની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પીડિત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યૂ ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે.

- text

ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બની છે. અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગીરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિના કેસમાં આજે 181 અભયમ વધુ ને વધુ સુદ્રઢતા થી સેવાઓ પહોંચાડી રહી છે.

અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાતની મહિલાઓ 181 અભયમને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહી છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલીસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમાં ઉપયોગી નિવડી રહ્યું છે. ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલા પીડિત મહિલાઓએ સલાહ-સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્કયૂ ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકીના મહિલાઓને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી.

- text