એ ગયું…. હળવદમાં આખેઆખું ટ્રેકટર ગટરમાં

- text


નગરપાલિકાએ ભૂગર્ભ ગટરના કામમાં વેઠ ઉતારતા અઠવાડિયામાં અકસ્માતની બીજી ઘટના

હળવદ : હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાના કામમાં લોટ, પાણીને લાકડા જેવી કામગીરી કરવામાં આવતા આજે બપોરના સમયે રોડની સાઈડમાં બનાવાયેલ ભૂગર્ભ ગટરમાં આખેઆખું ટ્રેકટર ઘુસી ગયું હતું. જો કે સદનસીબે આ ઘટના સમયે ટ્રેકટરમાં ડ્રાઇવર સિવાય કોઈ ન હોય કોઈ જાનહાની કે ઈજાઓ પહોંચી ન હતી. નોંધનીય છે કે આ અગાઉ અઠવાડિયા પહેલા અહીં એક કટર મશીન પણ આજ રીતે ગટરમાં ખાબક્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના પરશુરામ મંદિરથી શરણેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા રોડની બન્ને તરફ બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટર ઉપર તદ્દન હલકી ગુણવતા વાળા સિમેન્ટ અને પાતળા લોખંડના સળિયા નાખી આરસીસી વર્ક કરવામાં આવ્યું હોય લોકો માટે ખતરો ઉભો થયો છે. આજે બપોરના સમયે ભલગામડા ગામનો એક ટ્રેકટર ચાલક ટ્રોલીમાં ખાતર ભરીને જતો હતો ત્યારે રોડની સાઈડમાં ટ્રેકટર લેતા ટ્રેકટર ભૂગર્ભ ગટરની ઊંડી ખાઈમાં ખાબક્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આઠેક દિવસ પૂર્વે આજ સ્થળ નજીક એક રોડ કટર પણ ભૂગર્ભ ગટરમાં ખાબક્યું હતું. જો કે આજની ઘટનામાં ખાતર ભરીને જતા ટ્રેકટરમાં કોઈ શ્રમિક બેઠા ન હોય મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. નોંધનીય છે કે ભૂગર્ભ ગટરના કામમાં પાલિકાના કોન્ટ્રાકટરે હલકી ગુણવત્તાનો સિમેન્ટ અને સાવ પાતળા સળિયા વાપર્યા હોય છસવારે આવા બનાવો બનતા રહે છે ત્યારે પાલિકાના સત્તાધીશોએ નબળું કામ કરનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં ભરવા જોઈએ તેવું લોકો રોષભેર જણાવી રહ્યા છે.

- text

- text