ચૂંટણીમાં કોણે કોણે પક્ષ વિરોધી કામ કર્યા ! હળવદ ભાજપ પાસેથી મંગાવાયુ લિસ્ટ

- text


હળવદ શહેર અને ગ્રામ્યના પ્રમુખને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારનું લીસ્ટ તૈયાર કરવા સૂચન

હળવદ : વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપમાં જ રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે પ્રદેશ ભાજપ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને આવી પ્રવૃત્તિ કરનાર ચૂંટાયેલા કે સંગઠનના હોદ્દેદારોનુ લીસ્ટ તૈયાર કરવા હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના પ્રમુખને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષમાં જ રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની પ્રદેશ ભાજપમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઇ હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે અને ગ્રામ્ય સંગઠનના પ્રમુખ વાસુદેવભાઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સંગઠનના હોદ્દેદાર કે પછી ચૂંટાયેલા નેતાઓનું લીસ્ટ તૈયાર કરવા સૂચનાઓ આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આઅંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત આખામાં પ્રદેશ ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે જેને લઇ હળવદમાં પણ જો ભાજપમાં જ રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે.

- text

પક્ષ વિરોધી પ્રવૃત્તિના નામે જો પગલાં લેવાય તો ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને હળવદ તાલુકા પંચાયતમાં ફટકો પડશે!

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રમુખને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારનું લિસ્ટ તૈયાર કરવા સૂચનાઓ આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તો બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે જો પ્રદેશ ભાજપ દ્વારા હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારના ભાજપ સાથે જોડાયેલા લોકો સામે પક્ષ વિરોધીના નામે પગલાં લેવાય તો ભાજપને જિલ્લા પંચાયતમાં અને હળવદ તાલુકા પંચાયતમાં ફટકો પડી શકે છે જેથી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે નહીં અને હવે પછી આવું ન કરતા તેવું કહી વિષય પૂરો થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

- text