વડાપ્રધાન મોદીના હસ્તે આજે બુધવારે સાંજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું થશે ઉદ્ઘાટન

- text


અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ચાલશે શતાબ્દી મહોત્સવ 

મોરબી : વડાપ્રધાન મોદી આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં આ ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે.’ આ જીવનમંત્ર હતો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો, સમાજની સદા ચિંતા કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને જીવનનો સાચો રાહ ચીંધીને સુખની અનુભૂતિ કરાવી છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતા બચાવ્યા હતા, લાખોને વ્યસનમુક્ત કર્યા હતા, સાથે જ પર્યાવરણ જાગૃતિનાં મહાન કાર્યો કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક સામાજિક પ્રવૃત્તિઓ બી. એ. પી. એસ. સંસ્થા દ્વારા હાથ ધરાઈ હતી. સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પ્રમુખસ્વામી મહારાજના હિતકારી પારિવારિક સંદેશનું પ્રસારણ કરવાનો આદેશ સંસ્થાના વર્તમાન વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજે આપ્યો હતો. તેના ફળસ્વરૂપે વિરાટ વિશ્વવ્યાપી આયોજન થયું હતું. લોકહૃદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કરનાર પારિવારિક શાંતિ અભિયાન ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી ચાલ્યું હતું. જેમાં ૧૭ રાજ્યોમાં ૭૨ હજાર કરતાં વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકો જોડાયા હતા. ૧૦ હજાર કરતાં વધુ શહેર-ગામડાઓમાં સંપર્ક, ૭૨ લાખ માનવ કલાકોનું સમયદાન, ૬૦ લાખ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા વગેરે તેની ખાસિયતો હતી.શતાબ્દી મહોત્સવ નિમિત્તે બી. એ. પી એસ.. બાલમંડળો દ્વારા ૮ મે ૨૦૨૨ થી ૨૨ મે ૨૦૨૨ દરમિયાન વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન આદરવામાં આવ્યા હતા.

વ્યસનમુક્તિ અભિયાનમાં ૧૨ થી ૧૪ વર્ષના ૧૬,૦૦૦ બાળકોએ ઘરો, દુકાનો, ફેક્ટરીઓ, સરકારી અને અન્ય ઓફિસ, બસ સ્ટેશન અને અન્ય અનેક જાહેર સ્થળોએ જનસંપર્ક કર્યો. ૧૪ લાખ લોકોની મુલાકાત લીધી. ૪ લાખ લોકોએ તમાકુ, સિગારેટ આદિ વ્યસન છોડવાનો સંકલ્પ લીધો ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ -૩૧ મે ના રોજ, દેશભરમાં ૧૦૦ જેટલી વ્યસનમુક્તિ રેલીઓનું આયોજન, આ રેલીઓમાં ૫૦,૦૦૦ બાળ-બલિકાઓએ ભાગ લીધો.

પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં ૧૨ થી ૧૪ વર્ષની ૧૪,૦૦૦ બાલિકાઓએ ભાગ લીધો. ૧૨ લાખ લોકોની મુલાકાત લેવાય હતી. પાણી બચાવો, વીજળી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો ૧૦ લાખ લોકોએ પાણી બચાવવાનો સંકલ્પ લીધો, ૬ લાખ લોકોએ વૃક્ષારોપણનો સંકલ્પ લીધો.

આ ઉપરાંત સમગ્ર ગુજરાત અને ભારતમાં ૨૧ સંત સંમેલનો થયા. યુ. એસ. એ માં ૧૦ જેટલી ‘યુનિટી ફોરમ’ યોજાઈ, જેમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોના અગ્રણીઓ સાથે BAPS ના સંતોએ સંવાદ કર્યો.BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ન્યૂજર્સી, લંડન, ટોરોન્ટો, સિડની, દાર-એ-સલામ, લેનેશિયા (સાઉથ આફ્રિકા) વગેરે જગ્યાએ સ્થાપના થઈ.

પ્રમુખસ્વામી મહારાજના સમાજના અનેકવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાનની ઝાંખી કરાવતાં ૧૬ જેટલાં સેમિનારો થયા, જેવાં કે ભૂકંપ રાહતકાર્ય, આદિવાસી ઉત્કર્ષ, મેનેજમેન્ટ, પશુપાલન, શાસ્ત્ર-પરંપરાનું પોષણ, બાળ સંસ્કાર આદિ. પ્રમુખસ્વામી મહારાજની અજોડ કરુણાની ગાથા સમાન BAPS નાં અનેક રાહતકાર્યો પૈકી કેટલાંક રાહતકાર્યોની ઊંડા સંશોધન સાથે અદ્ભુત ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી, જેવી કે મોરબી રેલ રાહત કાર્ય -૧૯૭૯, ગુજરાત દુષ્કાળ રાહત કાર્ય-૧૯૮૭, કચ્છ ભૂકંપ રાહત અને પુનર્વસન કાર્ય-૨૦૦૧ નર્મદા યોજનામાં પ્રમુખસ્વામી મહારાજના પ્રદાન પર અને લંડન મંદિરના નિર્માણ ઉપર ઐનિહાસિક દસ્તાવેજ વિડિયો બનાવવામાં આવી.

- text

આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા અને પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય જીવન અને કાર્યને આપવામાં આવેલી અશિની ઝાંખી કરાઈ.

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. નાયગ્રા ધોધની રોશનીને કેસરી રંગમાં કરવામાં આવી. ટોરોન્ટોમાં ૭ ડિસેમ્બર, ૨૦૨૨ ને ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન તરીકે ઘોષિત કર્યો. વેમ્બલી સ્ટેડિયમ, લંડનમાં આર્ચ કેસરી રંગમાં રંગવામાં આવી છે. વેસ્ટમિસઠર સિટી કાઉન્સિલ તરફથી તકતીનું અનાવરણ કરાયું. જન્મસ્થાન ચાણસદમાં નારાયણ સરોવરનું નિર્માણ કરાયું.

સમગ્ર વિશ્વમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્ય ઉજવણી અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ માં ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ચાલનાર શતાબ્દી મહોત્સવ રૂપે યોજાશે, જેનું આજે સાંજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટન કરશે.

- text