હાઇકોર્ટની સુનવણી દરમિયાન ચીફ ઓફિસર વિરુદ્ધ તાત્કાલિક પગલાની સરકાર પક્ષે ખાતરી અપાઈ

- text


કોર્ટ સમક્ષ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ વચગાળાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરાયો

ઝૂલતા પુલ દુર્ઘટના સુઓમોટો કેસમાં અજંતા તરફે પણ વકીલ હાજર રહ્યા અને પક્ષકાર તરીકે જોડાવા માંગ કરી

હાઇકોર્ટ દ્વારા બે યુવા એડવોકેટની કોર્ટ આસિસ્ટન્ટ તરીકે નિમણુંક કરી

મોરબી : 135 લોકોને દર્દનાક મોત આપનારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ સુઓમોટો રિટ પિટિશનની સુનવણી દરમિયાન આજે કોર્ટ સમક્ષ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ વચગાળાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ થયો હતો જેના તારણોને આધારે નામદાર હાઇકોર્ટે ગુજરાતના આવા જાહેર સ્થળોની નિયમિત ચકાસણી કરવા આદેશ કરવાની સાથે ઝૂલતા પુલ કેસમાં કોર્ટની મદદ માટે બે યુવા એડવોકેટની નિમણુંક કરી મોરબી પાલિકા સામે શું પગલાં ભરવામાં આવ્યા તેનો જવાબ માંગતા સરકાર તાત્કાલિક અસરથી ચીફ ઓફિસર સામે પગલાં ભરવાની તૈયારીમાં હોવાનું એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થવા મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ સુઓમોટો રિટ પિટિશનની આજે હાથ ધરવામાં આવેલ સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા દુર્ઘટના બાદ ઇજાગ્રસ્તોને આપવામાં આવેલી સારવાર અને હાલની સ્થિતિ તેમજ ચુકવવામાં આવેલા વળતર અંગે નામદાર કોર્ટ સમક્ષ વિગતો આપી હતી. આજે મોરબી નગરપાલિકા તરફથી એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ હાજર રહ્યા હતા. આજે નામદાર કોર્ટ સમક્ષ એસઆઇટીનો વચગાળાનો રિપોર્ટ પણ રજૂ થયો હતો જેમાં ઝૂલતાપૂલના સાત કેબલમાં રહેલા કુલ 49 વાયરો પૈકી 22થી વધુને કેટ લાગ્યો હોવાનું અને 27 તૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત ઝૂલતા પુલના રીનોવેશન બાદ સ્ટ્રક્ચર ટેસ્ટ કે લોડ ટેસ્ટ કરવામાં આવ્યા ન હોવાનું પણ કોર્ટે રિપોર્ટના આધારે નોંધી સમિતિ દ્વારા આ દુર્ઘટના બાદ ઝૂલતા પુલ જેવા જાહેર સ્થળોની નિયમિત ચકાસણી કરવામાં આવે તેવું સરકારને જણાવી રાજ્યમાં આવા કેટલા સ્થળો છે તે અંગે પણ જવાબ માંગ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે 15 જૂન 2017 ના રોજ ઝૂલતા પુલને અજંતા ઓરેવાને સોંપ્યાના 9 વર્ષ પૂરા થયા હોવાનું અને બાદમાં માર્ચ 2022 માં જ નવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનું તેમજ અજંતા દ્વારા સંચાલન ચાલુ રાખવામાં આવ્યું હોવાનો સરકાર તરફે જવાબ રજૂ કરી કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.વી. ઝાલા સામે શિસ્તભંગના પગલાં લેવા માટે ઝડપથી કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી. જો કે 135 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.વી. ઝાલા સામે કોઈ આરોપો મળ્યા ન હોવાનું પણ સરકાર તરફે રજૂ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ આજે સુઓમોટો કેસની સુનાવણી દરમિયાન અજંતા કંપનીના ઉત્કર્ષ દવે અને રાહુલ શેઠ નામના વકીલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને આ કેસમાં 7મા પ્રતિવાદી તરીકે જોડવા નામદાર કોર્ટની અનુમતિ માંગી હતી.જો કે આ મામલે કોર્ટ દ્વારા નવી અરજી કરવા જણાવી આગામી 21 ડિસેમ્બરે સુનાવણી કરવામાંનું જાહેર કર્યું હતું. નામદાર કોર્ટ અજંતા કંપનીને નોટિસ જારી કરે તેવી શક્યતા છે.આ ઉપરાંત હાઇકોર્ટમાં કોર્ટમિત્ર દ્વારા એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે ઘટનાને કારણે અનાથ બનેલા સગીર બાળકોને ભરણપોષણના નાણાં ચૂકવવામાં આવતા નથી જેને પગલે નામદાર કોર્ટમાં હાજર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને અધિક કલેકટર એન.કે. મુછારને કોર્ટમાં દોડાદોડી કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે સુઓમોટો કેસમાં આજે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે યુવા એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકી વરુણ પટેલ અને શિખા પંચાલને અમીકસ તરીકે કામ કરવા અને કોર્ટને મદદ કરવા માટે નિમણુંક કરી બન્નેને પ્રોફેશનલ ફી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ચૂકવવામાં આવે તેવો હુકમ કર્યો હતો.

- text