મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસનો સફાયો, ભાજપની ભવ્ય જીત

- text


2017ની ચૂંટણીમાં ગુમાવેલી ત્રણેય બેઠક ભાજપે ફરી ભવ્ય જીત સાથે કબ્જે કરી

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકની વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા તેમાં હવે ચિત્ર સ્પષ્ટ બન્યું છે. આ ત્રણેય બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ત્રણેય બેઠક પર કમળ રૂપી વાવાઝોડા હેઠળ પંજો કચડાઈ જતા મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર ભાજપની ભવ્ય જીત થઈ છે. ગત ચૂંટણીમાં ગુમાવેલી ત્રણેય બેઠક ભાજપે ફરી કબ્જે કરી છે.

મોરબી જિલ્લાની જનતાએ આજે બહુમતી સાથે ભાજપને વિજયનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જેમાં ઘુટુ ખાતે આજે સવારે સરકારી પોલી ટેક્નિક કોલેજમાં પોલીસની સજ્જડ સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં એક પછી એક રાઉન્ડ ખુલતા મોરબી જિલ્લાની ત્રણેય બેઠકના ભાજપના ઉમેદવારોને ધીરેધીરે મક્કમ ગતિએ લીડ મળવાનું શરૂ થયું હતું અને છેક સુધી ભાજપ આગળ રહ્યું હતું. તમામ રાઉન્ડ પુરા થતા ત્રણેય બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ હતી. જેમાં મોરબીમાં તો ભાજપના બાહુબલી નેતા કાનાભાઈની 62 હજાર મતની જંગી લીડથી જીત થઈ હતી. તેમજ વાંકાનેરમાં આ વખતે સતા પરિવર્તન આવ્યું હતું. ત્રણ ત્રણ ટર્મથી વાંકાનેરમાં કોંગ્રેસના એકચક્રી શાસનને ભાજપે તોડી નાખ્યું હતું. અને કોંગ્રેસના ત્રણ ટર્મથી વિજેતા થતા મહમહ જાવીદ પીરજાદાને હરાવીને ભાજપના બાહુબલી નેતા જીતુભાઇ સોમણીની ભવ્ય વિજય મેળવ્યો હતો. તેમજ ટંકારા બેઠક પર નવા ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાએ પણ કોંગ્રેસના જુના જોગી લલિત કગથરાને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.

- text

મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ગત ચૂંટણીમાં ગુમાવેલી ત્રણેય બેઠક ભાજપે કબ્જે કરી હતી. ગત 2017ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરને કારણે કોંગ્રેસને બગાસું ખાતા પતાસું આવી ગયું હતું અને કોંગ્રેસે ત્યારે ત્રણેય બેઠક કબ્જે કરી હતી. પણ આંતરિક જુથવાદ, અને દિશા વિહોણી રણનીતિ તેમજ મતદારોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષફળ ગઈ છે. લોકોમાં જે મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવી જોઈએ તેના કોંગ્રેસ નિષફળ નીવડી હતી. એટલે જ પ્રજાએ ભાજપના વિકાસમાં વિશ્વાસ મુક્યો છે. તેથી વિજયના અતિરેકમાં ન આવી હવે ભાજપે સંપુર્ણ બહુમતી મેળવી હોવાથી મોરબીનો વિકાસ કરવાની તેની જવાબદારી વધી ગઈ છે.

- text