ઓરેવા કંપનીએ મંજૂરી વગર અને ફિટનેસ સર્ટી વગર ઝૂલતો પુલ ચાલુ કર્યો : પાલિકાનું હાઇકોર્ટમાં સોગંદનામું

- text


મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટની ફટકાર બાદ આજે નગરપાલિકા દ્વારા કાઉન્ટર એફિડેવિટ રજૂ કરાયું હતું જેમાં સ્પષ્ટ કરાયું છે કે ઓરેવા કંપનીએ પાલિકાની પૂર્વ મંજૂરી વગર અને ફિટનેસ સર્ટી વગર ઝૂલતો પુલ પુનઃ શરૂ કર્યો હતો. આમ, સ્વાભાવિક પણે જ દુર્ઘટના માટે કંપની ઉપર જવાબદારી નાખવામાં આવી છે.

ગત 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના અકાળે મૃત્યુ નિપજતા મીડિયા અહેવાલો બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ દાખલ કરવામાં આવી હતી અને 7 નવેમ્બરે નગરપાલિકા સહિત જવાબદારોને હાજર રહેવા જણાવી હ્યુમન રાઈટ કમિશન તેમજ સરકારનો જવાબ માંગ્યો હતો પરંતુ મોરબી પાલિકા હાજર ન રહેતા આજે નામદાર હાઇકોર્ટ દ્વારા બપોરે 4.30 વાગ્યા સુધીમા કાઉન્ટર એફિડેવિટ સાથે હાજર રહેવા તાકીદ કરી અન્યથા રૂપિયા એક લાખનો દંડ ભરવા તૈયાર રહેવા સ્પષ્ટ આદેશ કર્યો હતો.

- text

બીજી તરફ મોરબી નગરપાલિકા વતી વકીલે કાઉન્ટર એફિડેવિટ સાથે હાજર રહેવા ખાતરી આપ્યા બાદ આજે મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા કાઉન્ટર એફિડેવિટ રજૂ કરાયું હતું જેમાં સ્પષ્ટ પણે જણાવાયું હતું કે, ઝૂલતા પુલની જાળવણી, રીનોવેશન, ટિકિટ કલેક્શન, સિક્યોરિટી અને મેનેજમેન્ટની જવાબદારી સાંભળતી અજંતા ઓરેવા કંપની દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન વગર જ તા.26 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ શરૂ કરી નાખવામાં આવ્યો હતો.

આજના મોરબી નગરપાલિકાના સોગંદનામાં ઉપરથી સ્પષ્ટ પણે જ આ દુર્ઘટના માટે અજંતા ઓરેવા કંપની જ જવાબદાર બની છે ત્યારે સવાલ એ ઉભા થાય છે કે મોરબી પાલિકા સાથે દોઢ પેઈજનો મામુલી કરાર થયા બાદ આ કરાર સામાન્ય સભામાં મુકવાની દરકાર ન લેનાર મોરબી નગરપાલિકાનું તંત્ર હાલ તુરત બધી જ જવાબદારીનો દોષનો ટોપલો ઢોળી રહી છે ત્યારે પાલિકાના સત્તાધીશો પણ દુર્ઘટના પહેલા આંખ આડા કાન કરી આટલી મોટી ઐતિહાસિક સંપત્તિ જાળવણી માટે જે કંપનીને જવાબદારી સોંપી રહી છે તે કંપનીએ કેવી અને કેટલી કામગીરી કરી તે જોવાની પણ દરકાર લીધી ન હોય સત્તાધીશો પણ જવાબદાર ગણાય રહ્યા છે. આ સંજોગોમાં હવે આગામી સુનાવણીમાં નામદાર કોર્ટ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

- text