આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કગથરા, દેથરિયા, સોમાણી અને વરમોરાએ દાવેદારી નોંધાવી

- text


મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારોએ પોતાના જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્રો ભર્યા

મોરબી : મોરબી જિલ્લાની મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ બેઠક પર આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મુખ્ય રાજકીય પક્ષોના બાકી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતાં. જેમાં મોરબી બેઠક પર કોંગ્રેસના જયંતીલાલ પટેલે પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર મોરબી તાલુકા સેવા સદન ખાતે ભર્યું હતું અને પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી એ પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે વિશાળ સમર્થકોની સાથે મોહન કુંડારિયા, કેશરીદેવસિંહ, મોરબીના કાંતિલાલ અમૃતિયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓની નોંધનીય હાજરી જોવા મળી હતી. વાંકાનેરમાં સોમાણીના નામની જાહેરાત બાદ સ્થાનિક ભાજપના આગેવાનો માં નારાજગી જોવા મળી હતી. પરંતુ આજે જીતુલાલના ફોર્મ ભરવાના સમયે તમામ આગેવાનો એક સાથે જોવા મળ્યા હતા.

જ્યારે ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ વિશાળ રેલી અને સભા કર્યા બાદ પોતાનું ઉમેદવારી પત્ર ટંકારા પ્રાંત કચેરી ખાતે ભર્યું હતું. આ તકે ટંકારા ભાજપના આગેવાનો સાથે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. દુર્લભજી દેથરિયાએ ટંકારા બેઠક ભાજપનો ગઢ હોવાનું જણાવીને આ બેઠક ફરીથી કબજે કરવાનો દાવો કર્યો હતો.

તેમજ ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય લલિત કગથરા એ પણ આજે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે હળવદ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી પ્રકાશ વરમોરાએ પણ વિશાળ રેલી સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓએ આ બેઠક મોટા માર્જીન સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આ બેઠક પર આજે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પપ્પુ ઠાકોરે પણ વિશાળ સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. અને આ બેઠક પર કોંગ્રસની જીતનો દાવો કર્યો હતો.

- text

- text