મોરબીમાં દિવાળીના મીની વેકેશન બાદ લાભપાંચમેં બજારો ધમધમી ઉઠી

- text


મુખ્ય બજારોની દુકાનો, મોટા શોરૂપ દરેક દરેક વાણિજ્ય સંકુલોમાં આજે વેપારીઓ લાભપાચમનું શુભમુહૂર્ત કરી વેપાર-ધંધાનો શુભારંભ કર્યો

મોરબી : મોરબીમાં દિવાળીની છેલ્લા ઘડી સુધી તમામ લોકોએ દિવાળીનું બમ્પર શોપિંગ કરતા વેપારીઓ સારો નફો થવાથી હરખાઈ ઉઠ્યા હતા અને દિવાળી બાદ બેસતા વર્ષના દિવસે ઘણા વેપારીઓ પરિવાર સાથે હરવા ફરવાના સ્થળે ઉપડી ગયા બાદ રજાઓ પુરી થતા આજે વર્ષોથી લાભપાંચમે નવા વર્ષના ધંધાનો શુભારંભ કરવાનું શુકનવતી મુહૂર્ત હોવાથી તમામ વેપારીઓ આજે લાભપાંચમનું શુકન સાચવ્યું હતું. આજથી મુખ્ય બજારોની દુકાનો, મોટા શોરૂપ દરેક દરેક વાણિજ્ય સંકુલોમાં આજે વેપારીઓ લાભપાચમનું શુભમુહૂર્ત કરી વેપાર-ધંધાનો શુભારંભ કર્યો હતો.

મોરબીની મુખ્ય બજારોમાં પરાબજાર, નવા ડેલા રોડ, નહેરુ ગેઇટ ચોક આસપાસની બજારો, ગ્રીનચોક તરફની સોની બજાર સહિતની અન્ય તમામ ચીજવસ્તુઓની દરબાર ગઢ સુધી આવેલી દુકાનો, શાક માર્કેટ પાસેની કરીયાણા, સાડી સ્ત્રીઓ માટે વિવિધ કપડાંની દુકાનો, જેલ રોડની હોલસેલની તમામ ચીજવસ્તુઓની દુકાનો, નહેરુ ગેઇટથી જુના બસ સ્ટેન્ડ તરફની દુકાનો, જુના બસ સ્ટેન્ડથી અયોધ્યાપુરી મેઈન રોડ, રવાપર રોડ અને શનાળા રોડ, રામચોક, ગાંધીચોક, લાતીપ્લોટના નાના મોટા ઉધોગો સહિતની બજારોમાં આવેલી દુકાનો આજે લાભપાંચમે ખુલી ગઈ હતી. દરેક દુકાનો, મોટા શોરૂમ, ઉધોગો, વેપારી સંકુલો, સોની બજારમાં વેપારીઓ આજે પરંપરાગત રીતે શ્રીફળ વધેરી, સાંકળ સાથેનો પ્રસાદ અર્પણ કરી લક્ષ્મી માતાજીનું પૂજન કરી નવા વર્ષના વેપારના શ્રીગણેશ કર્યા હતા. વેપારીઓ લાભપાચમે આજે બોણી કરીને શુકન સાચવ્યું હતું. બજારો ખુલતાની સાથે દિવાળીના મીની વેકેશનમાં સુમસામ ભાસતી બજારોમાં લોકોની ચહલ પહલ વધતા રોનક આવી ગઈ હતી. દિવાળીમાં સારી ખરીદી થતા વેપારીઓ આ નવું વર્ષ સોળ આની ફળીભૂત થાય એવી આશાનો સંચાર થયો છે. બીજી તરફ કેટલાક નવા સાહસો જેમાં નાની દુકાનથી લઈને મોટા વેપારી સંકુલો તેમજ અમુક ઉધોગોનો લાભપાંચમેં શુકનવતી મુહૂર્ત પ્રારંભ થયા છે.

- text

- text