વિશેષ : દિવાળીના પર્વ પર ગામડાઓમાં નાટક ભજવવાની પરંપરા હજુ પણ યથાવત..

મોરબી જિલ્લામાં પરમાર્થના ઉદ્દેશ્ય સાથે દિવાળીમાં વર્ષોથી જીવંત રહેતી નાટ્યકલા

શહેરી વિસ્તારોમાં ભુલાયેલી પણ ગ્રામીણ વિસ્તારમાં વિશેષ સંદર્ભે ધબકી રહી છે લોક સંસ્કૃતિનો વારસો ધરાવતી નાટ્યકલા

ગૌસેવા સહિતના ગામના ધર્માદાના કાર્યો કરવા માટે પાંચ દાયકા કરતા વધુ સમયથી નવરાત્રિથી શરૂને દિવાળીથી નવા વર્ષ અને લાભપાચમ સુધી ભજવતા ઐતિહાસિક નાટકો

મોરબી : સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલા લોકરંજન એટલે મનોરંજનનું માધ્યમ એકમાત્ર ભવાઈ કલા જ હતી. આ ભવાઈ અને નાટકમાં મનોરંજનની સાથેસાથે તે સમયે સ્ત્રીઓ વિશે તેમજ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે વાતને બખૂબી રીતે રજૂ થતી કે કુરિવાજોમાં ક્રાંતિકારી બદલાવ આવતો. પણ સમય જતાં પહેલાં રેડિયો, ટીવી અને હવે નાનકડા મોબાઈલમાં ઇન્ટરનેટથી આંગણીના ટેરવે આખી દુનિયા આવી ગઈ હોવાથી લોક સંસ્કૃતિનો વારસો ધરાવતી નાટ્યકલા મરવા પડી હોય હવે મોટા શહેરોમાં આવનારી પેઢી માટે નાટ્યકલા દંતકથા બની જશે.આવી સ્થિતિ વચ્ચે મોરબી જિલ્લાના ગામડામાં આજે પણ એક વિશેષ સંદર્ભે નાટ્યકલા જીવંત છે અને ખાસ નવરાત્રીથી દિવાળી અને નૂતન વર્ષ સુધી ભજવતા નાટકો વર્ષોથી એવો ને એવો જ દબદબો રહ્યો છે. આ નાટક ભજવાની પરંપરા ક્યારથી શરૂ થઈ અને એનો મનોરંજન સાથે બીજો કયો ઉદ્દેશ્ય છે ? ગામડાના આજના ભણેલા ગણેલા યુવાનો પણ નાટકમાં સ્ત્રી પાત્ર ભજવવામાં પણ જરાય રંજ અનુભવતા નથી.તેથી નાટક ભજવવના ઉત્સાહ વિશે વિગતવાર વાત ગામડાના અગ્રણીઓના મુખેથી જ સભાળીયે.

ટંકારાના સજ્જનપર ધૂંનડાના પ્રવીણભાઈ ભેંસદડીયા અને તેમના પિતા કેશવજીભાઈ ભેંસદડીયાએ જણાવ્યું હતું કે, વર્ષોથી પેઢી દર પેઢી અમારા ગામ તેમજ આજુબાજુના ઈશ્વરનગર, સજનપર, નસીતપર, બગથળા, મોડ૫૨,વાઘ૫ર, શિવનગર, બેલા, નારણકા ખાનપર, અણીયારી, અમરેલી. ચકમપર, સહિતના ઘણા બધા ગામોમાં નવરાત્રિથી દિવાળી અને નૂતન વર્ષ નિમિતે રા નવઘણ, વીર રામવાળો, મચ્છુ તારા વહેતા પાણી, ભક્ત પ્રહલાદ, અભિમન્યુના સાત કોઠા, જેવા અનેક પ્રાચીન નાટકો ભજવાય છે. સાથેસાથે હાસ્ય કોમિક ભજવાઈ છે. નાટકમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોય છે. તેમ છતાં પણ એમાં આજના જેટ યુગમાં પણ સામાજિક ભેદભાવ તેમજ કુંરિવાજો ઉપર માર્મિક પ્રહાર કરીને માનવતાનો ધર્મ જ સર્વોપરી હોવાનો મેસેજ આપે છે. મોરબી જિલ્લાનું એકપણ એવું ગામ નહિ હોય જ્યાં આજે પણ દિવાળી સમયે નાટકો ભજવવાની પરંપરા નહિ હોય. એટલે દરેક ગામમાં ગૌશાળા હોય છે એટલે એના નિભાવ માટે આ નાટકો ભજવાઈ છે અને એક જ રાતમાં ગૌમાતા માટે આખા વર્ષના ઘાસચારોનો ફાળો એકત્ર થઈ જાય છે.

જ્યારે અગ્રણી પંકજભાઈએ કહ્યું હતું કે, મોરબી તાલુકાના આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી દરમ્યાન ઐતિહાસીક નાટકો ભજવી ગામની ગૌશાળાને આખું વર્ષ ચાલી શકે તેટલો ખર્ચ એકત્રિત કરવામાં આવે છે. સાથે જ છેલ્લા પાંચેક દાયકાથી નાના મોટા તમામ ગામોમાં નૂતન વર્ષના પ્રારંભે ઐતિહાસીક અને સામાજિક સંદેશો આપતા નાટકો ભજવવાની પરપમરા આજે પણ અખંડ યથાવત રહી છે. મોરબી જિલ્લામાં ખાસ કરીને ગામોમાં બેસતા વર્ષના દિવસે કે ભાઈ બીજ અને લાભ પાંચમના અવસરે ઐતિહાસીક નાટકો ભજવવા આયોજન થાય છે. આ વર્ષે પણ મોટાભાગના ગામોમાં સામાજિક અને ઐતિહાસિક નાટક ભજવવા આયોજન થયા છે અને નાટક ભજવતી યુવા ટીમ દીપાવલીના તહેવારમાં પણ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે.

સજ્જપર ગામના અગ્રણી કૌશિક મારવણીયાએ જણાવ્યું હતું કે તેમના ગામ માં 22 વર્ધથી ગાયોના લાભાર્થે નાટક ભજવાય છે.ગામની ગૌશાળા હોય ગાયોના ઘસચારા માટે કોઈને પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે વર્ષમાં એક વખત નાટક યોજી જે 8થી 10 લાખ જેવો એકત્ર થતો ફાળો ગાયો માટે વાપરવામાં આવે છે. મૂળ મોરબી તાલુકાના ગામડાના વતની અને ધંધાર્થે બહારગામ શહેરોમાં સ્થાયી થયેલા વેપારીઓ, ઉધોગપતિઓ દિવાળીના મીની વેકેશનમાં પરિવાર સાથે આવી ગૌમાતા માટે ઉદાર હાથે ફાળો આપે છે.જયારે થોરાળા ગામના અગ્રણી કાનજીભાઈ અંબાણી કહે છે કે, વર્ષો અગાઉ અંમે અને અમારા વડીલો ગૌસેવા માટે આજુબાજુના ગામોમાં નાટકો ભજવવા જતા. પણ ગામમાં ગૌશાળા બની જતા હવે 22 વર્ષથી ગામની ગૌશાળા માટે જ નાટકો ભજવીએ છે. નાટકો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને ફાળો આપે છે.તેમજ ખૂટતા ઘાસચારા માટે જુદાજુદા પ્રસંગે ઢોલ ત્રાંસા વગાડીએ છીએ.

માળીયાના જુના ઘાટીલા યુવા ગ્રુપે જણાવ્યું હતું કે, 45 વર્ષથી ગાયો અને ચકલા સહિતના પક્ષીની ચણ માટે નાટકો ભજવાય છે.આ વખતે મેડિકલની સાધન સહાય આપવા માટે નાટક યોજવામાં આવશે. જો કે હાલ ગામોમાં 80 વર્ષના વડીલ કહે છે કે અમે સમાજણા થયા ત્યારથી પરમાર્થ માટે નાટકો ભજવાય છે. એટલે દાદા, પરદાદાના જમાનાથી નાટકો ભજવાય છે. એટલે રાજવીકાળમાં જરાયથી નાટક ભજવાનું શરૂ થયું ત્યાંથી આજ સુધી ભજવાય છે. શહેરી લોકો ભૂલી ગયા છે. પણ ગામડાના પેઢી દર પેઢી વર્ષોથી આજની યુવાપેઢી પણ નાટ્યકલાને જીવંત રાખે છે. એ પણ પૌરોનિક નાટકો ભજવે છે એટલે લોક સંસ્કૃતિનો વારસો પણ જળવાઈ રહે તેવો પણ ઉદ્દેશ્ય છે.