મોરબીવાસીઓએ નવી આશા-ઉમંગ સાથે એકબીજાને શુભકામનાઓ પાઠવી બેસતા વર્ષની ઉજવણી કરી

- text


દરેક ઘરોમાં પ્રથમ બાળકો સહિત પરિવાજનોએ વડીલોને કોટી કોટી વંદન કરી નવું વર્ષ તમામ રીતે સુખમય નીવડે તેવા આર્શીવાદ મેળવી બાદમાં પોતાના સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનોને નુતનવર્ષાભિનંદન કહીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી સોશિયલ મીડિયા ઉપર નૂતનવર્ષાભિનંદનના મેસેજનો વરસાદ થયો વેપારીઓ સહિત ઘણા લોકો દિવાળીનું મીની વેકેશન મનાવવા પર્યટન સ્થળ કે ધાર્મિક સ્થળોએ ઉપડી ગયા મોટાભાગની જ્ઞાતિ-સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલનો યોજાયા

મોરબી : આજથી મોજીલી અને ખમીરવંતી ગુજરાતી પ્રજાના નવા વર્ષનો શુભારંભ થયો છે. નવી આશા, નવી ઉમંગ અને નવા જોશ સાથે નૂતન પ્રભાતનો મંગલમય ઉદય થતા જ લોકોના મનમાં નવી ચેતનાનો સંચાર થયો છે. દરેક પ્રકારના દુષણોના અંધકારને નૂતન પ્રભાતની નવી ઉર્જા થકી દૂર કરવાની આશાઓ સાથે આજે સમગ્ર મોરબીવાસીઓએ બેસતા વર્ષની હસીખુશી સાથે ઉજવણી કરી હતી. દરેક લોકોએ પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સોશિયલ મીડિયા ઉપર નૂતન વર્ષાભિનંદનના મેસેજનો વરસાદ થયો છે. મોટાભાગની જ્ઞાતિ-સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલનો યોજી નવા વર્ષને ઉમળકાથી વધાવ્યું હતું.

ભીતરમાંથી દુર્ગુણોના અંધકાર દૂર કરીને સદગુણોના આશાની દીપ પ્રજ્વલિત કરનાર તેજોમય પ્રકાશના મહાપર્વ દીપોત્સવીને લઈને મોરબી જિલ્લાના લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો છે. દિવાળીના તહેવારોને લઈને દરેક લોકોના અંતર મનમાં ખુશીઓ છવાઈ ગઈ છે. કોઈએ પરિવાર મિત્રો, સગા સબધી સાથે દિવાળી મનાવી તો કોઈએ અભાવોને કારણે હંમેશા તહેવારોની ખુશીઓથી દુર રહેતા બાળકો સહિતના જરૂરિયાત મંદોને ફટાકડાની કીટ તથા ભાવતા ભોજનીયા કરાવીને તેમના જીવનમાં દિવાળીની ખુશીઓના ઉમંગનો રંગ ભરી દીધો હતો. આ વખતે કોરોનાનું કોઈ બંધન ન હોવાથી અગાઉના વર્ષોની જેમ જ દરેક મોરબીવાસીઓમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો કઈક અલગ જ ખુશમિજાજ જોવા મળ્યો હતો.

કોરોના કાળના આગલા વર્ષોની સરખામણીમાં આ વખતે ફટાકડા, કપડા, સોના ચાંદીના દાગીના, ઇલેકટ્રોનિક આઇટમો, ડેકોરેટિવ આઇટમો, મીઠાઇ ફરસાણ સહિતની તમામ ચીજવસ્તુઓનું છેલ્લી ઘડી સુધી દિવાળીનું બમ્પર શોપિંગ થયું હતું અને દિવાળીના દિવસે બજારોમાં જે ખરીદીનો કરન્ટ જોવા મળ્યો તે આફતને અવસરમાં ફેરવી દેનાર મોરબીવાસીઓના ઉત્સાહની દેન છે.

દિવાળીની ધૂમધડાકા ભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ વખતે તિથિઓને કારણે લોકોમાં અસંમજતા હતી. તેથી લોકોએ સોમવારે તા.24ના રોજ દિવાળી ઉજવી હતી અને મંગળવારે એટલે તા.25ના રોજ પડતર દિવસ તરીકે ધોકા રૂપે પણ દિવાળીની ઉજવણી થઈ હતી. આજે તા.26ના રોજ બુધવારે એકંદરે મોટાભાગના લોકોએ નૂતન વર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. વહેલી સવારે લોકો ઉઠી જઈને સ્નાન કરી નવા કપડાં પહેરીને પૂજાવિધિ કર્યા બાદ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. યુવાનો અને બાળકોએ પણ પરંપરા જાળવીને પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરીને ભાવ વંદના કરી હતી. તેમજ ઘરના વડીલોએ પોતાના સંતાનોને પરંપરા મુજબ શુકન રૂપે બક્ષિસ પણ આપી હતી. દરેક લોકોએ મુખવાસ અને મીઠાઈથી એકબીજાના મો મીઠા કરાવીને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે આ વખતે કોરોનાનું કોઈ બંધન ન હોવાથી બે વર્ષ બાદ અગાઉની જેમ જ વિવિધ જ્ઞાતિ, સમાજના સંગઠનો અને સંસ્થાઓ સહિતનાના સ્નેહ મિલનો યોજાયા હતા અને આજના ડીઝીટલ યુગમાં પણ સ્નેહમિલનોમાં ઉત્સાહથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા નવા વર્ષના રામ રામ કરવાની વર્ષોની આત્મીય પરંપરામાં ઓટ આવી ન હતી.

જ્યારે સોશ્યય મીડિયામાં નવા વર્ષની ઉજવણીના અવનવા સંદેશા સાથે શુભેચ્છાઓ પાઠવવાનો વરસાદ થયો હતો. દરેક ચીજવસ્તુઓમાં સારી ખરીદીથી હોવાથી વેપારી સહિતના તમામ પ્રકારના ધંધાર્થીઓ અને ઉધોગકારો સહિતના ઘણા લોકો ઉત્સાહિત થઈને પરિવાર કે મિત્રો અને સગા સ્નેહીઓ સાથે બહારગામ એટલે પર્યટન કે ધાર્મિક સ્થળે દિવાળીનું મીની વેકેશન મનાવવા ઉપડી ગયા હતા. તેથી એસટી સહિત તમામ ખાનગી બસો હાઉસફુલ થઈ ગઈ હતી. જ્યારે વર્ષોની પરંપરા મુજબ દિવાળીનું મીની વેકેશન પૂરું થયા બાદ લાભપાંચમના શુભ મુહૂર્તથી તમામ બજારો ફરી ધમધમી ઉઠશે.

મોરબી અપડેટ પરિવાર પણ સૌ વાચકો અને મોરબીવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે..

- text

- text