માતા સાથે જતા બાળક પાછળ ગાય પડી..લોકોએ માંડ માંડ બાળકને બચાવ્યો..જુઓ વિડિયો..

- text


મોરબીના સામાંકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આજે સવારે બનેલી ઘટના, ઘરે પરત આવતા માતા અને પુત્ર સામે ગાયે ઓચિંતા જ ઘસી આવી હુમલો કર્યો, આસપાસના લોકોએ માંડ માંડ બાળકને છોડાવી ગાયને ભગાવી દીધી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે અચાનક જ રેઢિયાળ ગાયને કારણે આજે સવારે અનહોની બનતા સહેજમાં અટકી હતી. જેમાં સામાંકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં કોઈ કામ પતાવી ઘરે પરત આવતા માતા-પુત્રને ગાયે ઓચિંતા જ ઝડપમાં લઈને બાળકને જાણે ચગદી નાખવા માટે ઢીકે ચડાવી રીતસર પાછળ પડીને ઘમાસાણ મચાવ્યું હતું. અંતે આસપાસના લોકોએ તુરત દોડી જઇ બાળકને બચાવી ગાયને ભગાવી દીધી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચાર રસ્તા રોડ નજીક આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની જ સોસાયટીમાં રહેતી એક મહિલા પોતાના નાના બાળક સાથે બહારથી કોઈ કામ પતાવી બન્ને માતા પુત્ર સોસાયટીની અંદર પગપાળા ચાલીને આવી રહ્યા હતા. ત્યારે સામે ઉભેલી એક ગાયે અચાનક જ માતા સાથે બ્લુ ટીશર્ટમાં રહેલા પુત્ર ઉપર સીધો જ પ્રહાર કરી દીધો હતો. ઓચિંતા જ આ ગાય આવી રીતે રઘવાઈ થતા માતાએ પુત્રને બચવાની કોશિશ કરી હતી ગાયને તગેડવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય એટલી હદે રઘવાઈ થઈને દોડી દોડી માતા પુત્રને હંફાવી દઈ ઢીકે ચડાવ્યા હતા અને બાળકને જાણે ચગડી નાખવો હોય તેમ આ બાળકની પાછળ પડી ગઈ હતી અંતે આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકને ગાયના ચુગાલમાંથી છોડાવીને ગાયને તગેડી મૂકી હતી. આથી આવા રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text


- text