મોરબીના સ્ટેશન રોડ ઉપર ઉભરાતી ગટર વચ્ચે વેપારીઓ ધંધો કરવા મજબુર

- text


ત્રણ ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર છલકાય છે : ગંદકીથી દિવાળીના તહેવારોમાં ધંધા ઉપર માઠી અસર

મોરબી : મોરબી તંત્રના પાપે વર્ષોથી ઠેર-ઠેર ગટરની ગંદકી સળગતો પ્રશ્ન હોવાની વચ્ચે શહેરના હાર્દ સમાં અને બજાર વિસ્તાર ગણાતા સ્ટેશન રોડ ઉપર ત્રણ ત્રણ મહિનાથી ઉભરાતી ગટરની ગંદકીથી વાહન ચાલકો તો પરેશાન છે જ. પણ સૌથી વધુ સ્ટેશન રોડના વેપારીઓને ગટરની ગંદકી વચ્ચે ધંધો કરવા મજબુર બનવું પડતું હોવા છતાં નીંભર તંત્રના પાપે વેપારીઓઓ બેહાલ થઈ ગયા છે.

મોરબીના સ્ટેશન રોડ ઉપર બન્ને સાઈડ ઉપર કતારબંધ દુકાનો ધરાવી વર્ષોથી વિવિધ વસ્તુઓનો ધંધો કરતા નાના મોટા વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ માસથી સ્ટેશન રોડ ઉપર ગટર ઉભરાઈ રહી છે. સફાઈ જ ન થતી હોય ભૂગર્ભ ચોકઅપ થઈ જતા ગટરની ગંદકી વરસાદી પાણીની જેમ આખા રોડ ઉપર વહે છે અને ભારે દુર્ગંધ ફેલાઈ છે. સ્ટેશન રોડ ઉપર દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત ગટર ઉભરાતી હોવાથી આખો રોડ ગટરના ગંદા પાણીથી તરબોળ થઈ ગયો છે. રોડ ઉપર પાણી ભરાઈ રહેતા ખાડા પડી જતા પાણી ભરેલા ખાડામાંથી પસાર થવામાં વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે.

- text

નોંધનીય છે કે અહીં દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ ઉપર ગટરની ગંદકી વાહન ચાલકો ભારે હેરાન થઈ ગયા છે અને સૌથી વધુ ગંદકીથી હાલાકી વેપારીઓને ભોગવવી પડે છે. આખો દિવસ ગટરની ગંદકી વચ્ચે વેપાર કરવો પડે છે. અહીં આવેલા જડેશ્વર મંદિરે જતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. જો કે જન્માષ્ટમી વખતે ત્યાં આવેલા રાજયમંત્રી સમક્ષ વેપારીઓએ રજુઆત કરી છતાં આ પ્રશ્ન હલ થયો નથી. ઉપરથી હવે દિવાળીનો તહેવાર હોય ધંધામાં માઠી અસર થવાની ભીતિથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

- text