ચૂંટણી આવતા આવન જાવનની મૌસમ શરૂ : કિશોર ચીખલીયાની ભાજપમાંથી કોંગ્રેસમાં ઘરવાપસી

- text


ભાજપમાં સતત અવગણનાને કારણે ડૂબતી રાજકીય નાવ બચાવવા કોંગ્રેસમાં જોડાતા હોવાની ચર્ચા

મોરબી : વિધાનસભાની ચૂંટણી આવતા જ મોરબીમાં પક્ષ પલટાની મોસમ શરુ થઈ હોય એમ એક સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી કિશોર ચીખલીયા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેઓ મોટી ગાડીઓના કાફલા સાથે આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પહોંચી કોંગ્રેસમાં જોડાશે અને ભાજપમાં સતત અવગણનાને કારણે ભગવો છોડી રહ્યા હોવાની ચર્ચા છે.

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને એક વખતના કોંગ્રેસના અગ્રણી હાલ ભાજપમાં રહેલા કિશોરભાઈ ચિખલિયા ફરી કોંગ્રેસમાં જોડાશે. આ અંગે ખુદ કિશોરભાઈ સાથે વાતચીત કરતા આ બાબતને સમર્થન આપીને કહ્યું હતું કે, ભાજપ છોડીને આવતીકાલે કોંગ્રેસમાં જોડાશે. જેમાં તેઓ આવતીકાલે મોટી ગાડીઓના કાફલા સાથે અમદાવાદ પહોચશે અને અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પહોંચીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. જો કે ભાજપ છોડવા અંગે તેઓએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું ન હતું અને ભાજપ છોડવાના કારણ વિશે ચુપકીદી સેવીને કોઈ કારણ વગર ભાજપમાંથી ફરી કોંગ્રેસમાં જોડતા હોવાની વાત કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે 2020ની પેટા ચુંટણી સમયે કિશોર ચીખલીયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકેની ટિકટ ન મળતા નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. પણ હવે ફરી કોંગ્રેસ ઘરવાપસી કરતા તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે. ચર્ચાતી વિગતો મુજબ ભાજપમાં જોડાયા બાદ તેઓ હાસિયામાં ધકેલાય ગયા હતા. ભાજપમાં કોઈપણ મહત્વના હોદા ન હોય છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય જેવી સ્થિતિ તેમની રહી હતી અને ભાજપમાં સતત અવગણનાને કારણે નારાજ થઈ ગયા હોવાથી ચૂંટણી ટાણે ફરી સક્રિય થવા અને પોતાની ખતમ થતી રાજકીય કારકિર્દી બચાવવા માટે કોંગ્રેસમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હોવાથી તેઓએ પંજાનો હાથ પકડ્યો હોવાની ચર્ચા છે.

- text