ટંકારામા ચાલતા વેદ પ્રચાર અભિયાનની પૂર્ણાહુતિ, 200થી વધુ યજમાનોએ યજ્ઞકુંડમાં આહૂતિ આપી

- text


ટંકારાઃ આર્ય સમાજ ટંકારા દ્વારા ચાલતા વેદ પ્રચાર અભિયાનની 18 સપ્ટેમ્બર ને રવિવારના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. પૂર્ણાહુતિ કાર્યક્રમ નિમિત્તે સવારે 9 વાગ્યાથી બપોરે 12 કલાક સુધી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં 200થી પણ વધુ યજમાનોએ સહભાગી થઈને યજ્ઞ કુંડમાં આહૂતિ આપી હતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા વેદ તરફ પાછા વળોના સૂત્રને ચરિતાર્થ કરવા માટે આર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી શેરી દ્વારા છેલ્લા 13 વર્ષથી ટંકારા ગામમાં ત્રણ માસ-ચાર માસ સુધી અલગ અલગ પરિવારોમાં યજ્ઞ કરી અને વેદ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ચાલુ વર્ષમાં શ્રાવણ માસથી ભાદરવા માસના અંત સુધી આ કાર્યક્રમમાં પ્રતિદિન ત્રણ પરિવારમાં યજ્ઞ કરાવવામાં આવ્યા હતા. યજ્ઞ બાદ વૈદિક સિદ્ધાંતોનો પરિચય આપવામાં આવતો હતો અને મનુષ્ય જીવન કઈ રીતે શ્રેષ્ઠ બને, આપણું જીવન ઈશ્વર તરફ કઈ રીતે ગતિ કરે તેવી શ્રેષ્ઠ વિચારધારાને ટંકારાના અનેક પરિવારો સુધી પહોંચાડવાનું કાર્ય થયું હતું.

કાર્યક્રમની શુભ શરૂઆત આર્ષ કન્યા ગુરુકુળ રોજડના આચાર્યાબેન શીતલબેનજીના બ્રહ્માસ્થાને યજ્ઞ કરવામાં આવ્યો હતો. આર્ય સમાજ ટંકારાના મંત્રી દેવકુમારજી દ્વારા આવેલા તમામ અતિથિ મહાનુભાવોનું શાબ્દિક તથા પ્રતિક રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપદેશક મહાવિદ્યાલય ટંકારાના આચાર્ય રામદેવજી શાસ્ત્રી અનેક આર્ય સમાજના પ્રધાન અને મંત્રીઓ, બૃહદ સૌરાષ્ટ્ર સભાના પ્રધાન પણ હાજર રહ્યા હતા. ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ સહિતના મહેમાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવનાર 15 બહેનોને ચાંદીના સૂર્વા અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રભાબેન મનિપરા દ્વારા યજ્ઞનું મહત્વ શું ,ઈશ્વરની સાચી ઓળખ વિશે માહિતી આપવામાં આવી હતી અને મંત્રી દ્વારા આર્ય સમાજ શા માટે ? આર્ય સમાજ શું છે ? તેનો પરિચય આપવામાં આવ્યો હતો. ઉપરાંત આર્ય વિદ્યાલયના પ્રધાન માવજીભાઈ દલસાણીયા દ્વારા એક લાખ રૂપિયાનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું.

- text

આ તકે આચાર્ય રામદેવજી શાસ્ત્રી દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા અને અંતમાં આચાર્ય શીતલબેન દ્વારા માનનીય વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં તમામ દાતાઓ અને મહેમાનો તથા ખાસ અરવિંદભાઈ ભુરાભાઈ કણસાગરા અને હીરાભાઈનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. આભાર વિધિ રમણીકભાઈ વડાવિયા દ્વારા કરવામાં આવી હતી. શાંતિપાઠ પૂર્ણ થયા બાદ પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.

- text