મોરબીમાં રીક્ષા ચાલકોની ઉઘાડી લૂંટને ટક્કર મારવા પાલિકાની સસ્તી સીટી બસ સેવા  

- text


રિક્ષાના ભાડાના 20-30 સામે સીટી બસનું ભાંડું માત્ર 5થી 15 રૂપિયા : મોરબી નગરપાલિકા દ્વારા વધુ 4 રૂટ ઉપર સાત નવી સીટી બસ સેવા શરૂ

મોરબી : સીએનજી ગેસના ભાવમાં વધારા બાદ મોરબીમાં રીક્ષા ચાલકો ઉઘાડી લૂંટ કરી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા સસ્તા ભાડાની સીટી બસ સેવાનો વ્યાપ વધારતા શહેરીજનોને રાહત મળી છે. અગાઉ માત્ર બે સીટી બસ સામે હાલ નગરપાલિકાએ નવ સીટી બસ શહેરથી ગ્રામ્ય કક્ષા સુધી દોડાવી રહી છે જેમાં હવે દૂર-સુદૂરના ગામડાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
સીએનજીના ભાવમાં વધારો થયા બાદ મોરબીમાં રીક્ષાના ભાડાંમાં વધારો થયો છે અગાઉ રિક્ષામાં 10 રૂપિયા સુધીમાં થતી મુસાફરી હાલમાં બમણા ભાવ વધારા સાથે શહેરની અંદરના વિસ્તારમાં જ અવર-જવર માટે 30 થી વધુ ભાડું વસુલાઈ છે. એની સામે સીટી બસનું ભાડું 5 થી 15 રૂપિયા જ છે. પાલિકા દ્વારા કિલોમીટર મુજબ ભાડું રાખવામાં આવ્યું છે. ગાંધીચોકથી લજાઈ ચોકડી અનેક રૂટ આવતા હોય 5 થી 10 અને છેલ્લે લજાઈ પહોંચતા 15 રૂપિયાનું ભાડું છે. જ્યારે વિરપર સુધીના 10 રૂપિયા છે.ગાંધીચોકથી લીલાપર રોડ થઈ નવાગામ સુધી, ગાંધીચોકથી મહારણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચાર રસ્તા, કુબેર, રફળેશ્વર ગામ સુધી, ગાંધીચોકથી વચ્ચે જેટલા સ્થળ આવે  એ તમામ સ્થળે ઉભી રાખી બસ પંચાસર ગામ સુધી પહોંચશે.
મોરબી શહેરના ગાંધીચોકથી સામાકાંઠા તરફ નટરાજ ફાટક, ઉમા ટાઉનશીપ, વેજીટેબલ થઈ છેક ધરપપુર ગામ સુધી એમ નવા ચાર રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના મોટાભાગના વિસ્તારોમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારો આવી જાય છે. રીક્ષા ભાડું મનફાવે એવું વસુલતા હોવાની સામે સીટી બસમાં નજીવું ભાડું હોવાથી ખાસ કરીને કામધંધા અર્થે દરરોજ શહેરમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આપડાઉન કરતા અનેક લોકોને મોંઘવારીના કાળમાં મોટી રાહત મળી છે. નોંધનીય છે કે, આગામી સમયમાં 7 નવી બસ સેવા શરુ થશે અને અઠવાડિયામાં વધુ બે નવી બસ આવી જશે. તમામ  સીટી બસ ગાંધીચોકેથી ઉપડતી હોય ત્યાં સીટી બસ માટે અલાયદું પાર્કિગ સ્થળ બનાવવામાં આવ્યું છે. નવી બસ આવવાની હોવાથી હજુ બાકીના વાવડી રોડ સહિતના રૂટ પણ ટૂંક સમયમાં ચાલુ કરાશે.

- text