માળીયા ફાટક ઓવરબ્રિઝના ખાડા ન બુરાય તો ટોલનાકાને ઘેરાવ કરાશે

- text


નેશનલ હાઇવેના પુલ સહિત આખા રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા જીવલેણ ગાબડા છતાં તંત્રએ રિપેરીગના નામે વેઠ ઉતરતા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે તંત્રને હાઈવેની હાલત સુધારવા ત્રણ દિવસનું અલટીમેટમ આપ્યું

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર માળીયા ફાટક પાસેના પુલ સહિતના રોડ ઉપર ઠેરઠેર ફૂટ-ફૂટથી મોટા ખાડા પડી ગયા છે. જો કે તંત્રએ બે દિવસ અગાઉ રિપેરીગના નામે વેઠ ઉતારી હતી. જેમાં ડામરને બદલે ખાડા ઉપર ધૂળ નાખીને લોકોને ઉલ્લુ બનાવ્યા હતા. આ ધૂળ પવનના કારણે ઊડતી હોય ચાલુ વાહને લોકોના આંખમાં ધૂળ ઘુસી જાય તો અકસ્માત થવાની ભીતિ રહે છે. આથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે તંત્રને હાઈવેની હાલત સુધારવા ત્રણ દિવસનું અલટીમેટમ આપી ટોલનાકાને ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, કંડલા તરફનો નેશનલ હાઇવે અને માળીયાથી વાંકાનેરને જોડતા મોરબી નજીક આવેલા માળીયા ફાટક પાસેના પુલ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે, સાવ ધીમે વાહન જાળવી જાળવીને ચલાવવા પડે છે. નહિતર અકસ્માત થવાની ભારે ભીતિ રહે છે. આ પુલ જ નહીં હાઇવે ઉપર સુરજબારીના પુલથી વઘાસિયા ટોલનાકા સુધી ખાડે ખાડા છે. બે દિવસ અગાઉ તંત્રએ જે કામગીરી કરી હતી તે ઘણી શરમજનક છે. કારણ આવડા મોટા ફૂટ-ફૂટથી વધુ ખાડા ડામરના યોગ્ય પેચવર્ક વગર બુરાઈ એમ નથી. છતાં તંત્રએ ખાડા બુરવા માટે માટી નાખી અને બીજે ક્યાંયથી નહિ પણ અહીં રોડની સાઈડમાંથી ધૂળ કાઢીને આ ખાડામાં નાખી છે.
ખાડામાં ધૂળ નાખતા આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડે છે. એટલે ધૂળ ઉડીને વાહનચાલકો આંખમાં ઘૂસે તો અકસ્માત થવાની ભીતિ રહે છે. આ પુલ બનાવ્યો એને બે વર્ષ પણ માંડ થયા હશે ત્યાંજ આવી હાલત થઈ ગઈ છે. અગાઉ થોડો સમય અગાઉ ન છ મહિના સુધી અહીં રિપેરીગના નામે વાહન વ્યવહાર બંધ રાખ્યો હતો. જો ત્યારે યોગ્ય રિપેરીગ કર્યું હોત તો અત્યારે આટલા મોટા ખાડા પડત જ નહીં. નેશનલ હાઇવે ઓથરીટી દરેક વાહન ચાલકો પાસે દર 40 કિમીના અંતરે આવતા ટોલનાકે લાખો રૂપિયાનો ટોલ ચૂકવે છે. જો ટોલ ન ચૂકવે તો બમણો દંડ કરાઈ છે. પણ સારા હાઈવેની સુવિધા આપવામાં ભારે બેદરકારી દાખવે છે. હાઇવે તો ટકાટક હોવા જોઈએ કારણે, મોટાભાગના વાહનો પુરપાટ ઝડપે ચાલતા હોય છે. હાલમાં સીરામીક બંધ હોય ટ્રકો ખૂબ ઓછા ચાલે છે. પણ  સીરામીક ખુલ્યા બાદ ટ્રકોની અવરજવર વધશે તેથી તંત્ર ત્રણ દિવસે આ ગાબડા યોગ્ય રીતે નહિ બુરે તો સુરજબારી અને વઘાસિયા એમ આ બન્ને ટોલનાકાને ઘેરાવ કરાશે.

- text