પ્લાન -કંપ્લીશન ફરજીયાત બનતા મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં 25 ટકાનો ઘટાડો

- text


નવા નિયમો અમલી બનતા પ્લાન કંપ્લીશન વગરના બાંધકામોની કિંમતમાં ગાબડાં

મોરબી : ગુજરાત સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી માટે પ્લાન અને કમ્પ્લીશન ફરજીયાત બનાવતા ગેરકાયદે બાંધકામો માટે જાણીતા મોરબી શહેરમાં સબરજિસ્ટ્રાર ઓફિસમાં સુનકાર છવાયો છે અને અંદાજે દસ્તાવેજ નોંધણીમાં 25 ટકા ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા લાંબા સમયથી મોરબીમાં જનરલ ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનનો બિલ્ડરો અને સામાન્ય નાગરિકો દ્વારા છેદ ઉડાવી દઈ નાના મોટા બાંધકામો હોય કે બહુમાળી ઇમારત હોય સરકારની ઓનલાઇન બાંધકામ મંજૂરી લેવાની તસ્દી જ ન લેતા હોય શહેરમાં ગેરકાયદે બાંધકામોનું સામ્રાજ્ય છવાય ગયું છે, આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી માટે પ્લાન અને કંપ્લીશન સર્ટિફિકેટ ફરિજયાત બનાવતા મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા પખવાડિયાથી ઉડે-ઉડેનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ નવા નિયમો અમલી બનતા દસ્તાવેજ નોંધણીમાં અંદાજે હાલમાં 25 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. જેમાં પહેલા દરરોજના 125 જેટલા દસ્તાવેજો થતા હતા જે હવે 90 આસપાસ થાય છે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મોરબીમાં ગેરકાયદે બાંધકામોનું ઉંચુ પ્રમાણ જોતા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જિલ્લા કલેક્ટરને પ્લાન કંપ્લીશન વગરની મિલ્કતોના દસ્તાવેજ નહીં નોંધવા લેખિત રજુઆત પણ કરી હતી તેવા સમયે જ ગુજરાત સરકારે નવા નિયમો અમલી બનાવતા હાલમાં આવા બાંધકામો કરનાર તત્વો બરાબરના ફસાઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text