મોરબીમાં સરદાર બાગ સામે ભરાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડો

- text


શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકામાં રજુઆત

મોરબી : મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર શનાળા રોડ સ્થિત સરદારબાગ સામેના પાર્કીંગમાં વહેલી સવારથી શાકમાર્કેટ ભરાતી હોય આ વિસ્તારમાં આવેલી શાળા-કોલેજ નજીક સવારના સમયમાં ટ્રાફીકજામ તથા પાર્કીંગના પ્રશ્નો ઉદભવી રહ્યો છે. ત્યારે આ મુદ્દે મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે નગરપાલિકાને રજુઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકામાં રજુઆત કરતા જણાવાયું છે કે, કોરોનાકાળમાં શાળા-કોલેજો બંધ હતી ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા સરદારબાગ સામેના પાર્કિંગમાં શાક માર્કેટ યોજવા અંગેની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ હાલ શાળા-કોલેજો શરૂ થયાને ઘણો સમય થયો હોવા છતાં શાકમાર્કેટ મુદે પાલિકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી વહેલી સવારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાય છે. તેમજ આ વિસ્તારમાં શાળા-કોલેજો તેમજ હોસ્પિટલો આવેલી હોય વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પાર્કીંગની જગ્યા મળતી નથી. જેથી આડેધડ વાહન પાર્કીંગ થવાથી ટ્રાફીકનો પ્રશ્ન સર્જાય છે.

- text

આ ઉપરાંત શાકમાર્કેટને કારણે ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાતા ગંદકીના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે. તેમજ વિદ્યાર્થીઓના આરોગ્ય તેમજ જનઆરોગ્ય સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના હીતમાં તેમજ હોસ્પિટલ પર આવતા દર્દીઓના હીતમાં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવામાં આવે તે અનિવાર્ય છે. જે બાબતે મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકાને આવેદન આપવામાં આવ્યું હતુ. રજૂઆત અંગે મોરબી નગરપાલિકાના અધિકારી દ્વારા યોગ્ય કરવા ખાત્રી આપવામાં આવી હતી.

- text