મોરબીમાં ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા વાર્ષિક અધિવેશન યોજાયું

- text


 

તેજસ્વી તારલા અને વિશિષ્ટ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ આપી હાજરી

મોરબી: ગત તારીખ 31 જુલાઈના રોજ શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ-મોરબી દ્વારા વાર્ષિક અધિવેશનનું આયોજન દ્વારકાધીશ ફાર્મ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ફોરમના તેજસ્વી તારલાઓનું સન્માન, વિશિષ્ટ સિદ્ધિ, બઢતી અને સેવાનિવૃત થનાર કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નકલંકધામ બગથળાના મહંત દામજીભગત, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, કન્યા છત્રાલય- મોરબીના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, મનુભાઈ કૈલા, કેશુભાઇ અદ્રોજા તેમજ અન્ય સામાજિક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નોકરિયાતવર્ગ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં ફોરમના પ્રમુખ ડૉ. પ્રફૂલભાઈ પટેલે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ભૂતકાળને સામે રાખીને વર્તમાનમાં સમયપાલન કરીને પ્રગતિ કરવા વિશે વકતવ્ય આપ્યું હતું. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સમાજની પ્રગતિકારક સ્થિતિઓ વિશે પ્રેરક વકતવ્ય આપ્યું હતું. મનુભાઈ કૈલાએ લગ્નવિષયક જાગૃતિ વિશે અને વલમજીભાઈ અમૃતિયાએ સંસ્કાર અને શિક્ષણ વિશે વકતવ્ય આપ્યું હતું. દામજી ભગતે આશીર્વચન પાઠવ્યા હતા.

મહાનુભાવોના વરદ હસ્તે તેજસ્વી છાત્રોને શિલ્ડ – પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બઢતી મેળવનાર કર્મચારી અને સેવાનિવૃત્ત થનાર કર્મચારીને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં આભાર વિધિ ફોરમના મંત્રી અશ્વિન એરણીયાએ કરી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન એમ. વી. દલસાણિયા અને હર્ષદ મારવણિયાએ કર્યું હતું. અંતમાં નવી કારોબારી પ્રમુખ અશ્વિન એરણીયા, ઉપપ્રમુખ સંજીવભાઇ જાવિયા અને મંત્રી ધીરુભાઈ સાણજા તથા નવી કારોબારીના તમામ સભ્યોના અભિવાદન બાદ સમૂહ ભોજનપ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- text

- text