હરિયાળું બનશે મોરબી ! માત્ર બે કલાકમાં 500 જેટલા રોપાનું વિતરણ કરાયું

- text


વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને હરિયાળું બનાવવા માટે સરાહનીય કાર્ય હાથ ધરાયુ

મોરબી : મોરબીમાં સારો વરસાદ થતાં વૃક્ષારોપણને અનુકૂળ વાતાવરણ ઉભું થવાથી દર વખતની જેમ આ વખતે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે રોપા વિતરણનું સરાહનીય કાર્ય હાથ ધરાયુ હતું. જેમાં લોકોએ પણ ભારે ઉત્સાહ દેખાડતા માત્ર બે કલાકમાં 500 જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું.

મોરબીને હરિયાળું બનાવવાની નેમ સાથે છેલ્લા દસ વર્ષની વિવિધ સંસ્થાઓ દ્વારા દર ચોમાસે પ્રથમ સારા વરસાદ બાદ વિનામૂલ્યે મોટી સંખ્યામાં રોપા વિતરણ કરવામાં આવે છે. જેમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ અને ફરીથી તેના એકાદ દોઢ માસ પછી રોપા વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ સારો વરસાદ પડી જતા મોરબી મયુર નેચર કબલ, લીઓ ક્લબ, વન વિભાગ-મોરબી અને મોરબી અપડેટ દ્વારા તાજેતરમાં ઘટાદાર વૃક્ષો થાય તેવા વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોની કતારો લાગતા બે કલાકમાં 500 જેટલા રોપાનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું અને લોકોએ રોપા લઈને પોતાના ઘરે વાવીને વૃક્ષ ઉછેર કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી. આ રોપા વિતરણનો કાર્યક્રમ મયુર નેચર ક્લબના એમ.જી.મારુતિ, જીતુભાઈ ઠક્કર, અજયભાઈ અનડકડ, અરવિંદભાઈ સોમૈયા, ઘનશ્યામભાઈ અઘારા, રાઠોડ સાહેબ, જસમતભાઈ પટેલ, રણુંભા જાડેજા, લીઓ ક્લબના ક્રિષ્નાબેન રૂપાલા, બંસીબેન, ભાવિશાબેન સરડવા, વાસુભાઈ રૂપાલા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text