શક્તિ પ્રદર્શન : પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને સત્કારવા કોંગ્રેસની ભવ્ય રેલી યોજાઈ

- text


રામધન આશ્રમ ખાતેથી ભવ્ય રેલી નિકળી રવાપર રોડ ઉપરના દ્રારકેશ પાર્ટી પ્લોટમાં પહોંચી સભા-સંમેલનમાં ફેરવાઈ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપવા સૌરાષ્ટ્ર ભરમાં ફરી વળીશું : લલિત કગથરા

મોરબી : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ હોય કે કોંગ્રેસ કે અપક્ષ દરેક રાજકીય પક્ષમાં લડી લેવાના મૂડ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પાર્ટીને સક્ષમ અને મજબૂત બનાવવા માટે માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ બનાવતા તેમને સત્કારવા માટે ભવ્ય રેલી રૂપી શક્તિ પ્રદર્શન મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું.

ટંકારાના ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસ તત્કાલીન પ્રમુખ લલિત કગથરાની તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યક્રરી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આથી તેમને સત્કારવા અને ખાસ કરીને આગામી ચૂંટણીને ધ્યાને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન રૂપી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના રામધન આશ્રમ ખાતેથી બગીમાં લલિતભાઈ સવાર થઈ તેમજ અન્ય આગેવાનો કાર અને બાઈકના વિશાળ કાફલા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. રાષ્ટ્ ગીત સાથે આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી જેમાં કોંગ્રેસના અગ્રણીઓએ ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

લલિતભાઈની સાથે ભવ્ય રેલીમાં પાટણ, ધોરાજી સહિતના કોંગ્રેસ ધારાસભ્યમાં લલિતભાઈ વસોયા, ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ, પ્રભાત દુઘાત, પૂર્વ પ્રદેશ પ્રમુખ પરેશ ઘાનાણી તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના જિલ્લાના દરેક તાલુકા મથકોના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ભવ્ય રેલી મહેન્દ્રનગરના રામધન આશ્રમથી સમાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મોરબી શહેરમાં પ્રવેશી વિવિધ માર્ગો ઉપર ફરીને રવાપર રોડ ઉપર આવેલ દ્રારકેશ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી સભા-સંમેલનમાં ફેરવાઈ હતી.

- text

રેલી દરમિયાન લીલીતભાઈએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીને ધ્યાને લઈને પક્ષને મજબૂત બનાવવા અને એકીસાથે તાકાતથી લડી લેવા માટે દરેક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પક્ષે મારા ઉપર જવાબદારી મૂકી છે તેને પુરી નિષ્ઠાથી નિભાવીશ અને આ નિમણૂક બાદ સત્કાર સમારંભ માટે કોંગ્રેસના સૌ સાથે મળીને રેલી કાઢી છે તે અભિનંદનને પાત્ર છે અને વિધાનસભાની ચૂંટણીને લઈને તેમણે એવું કહ્યું હતું કે, ચૂંટણીમાં ભાજપમાં જડબાતોડ જવાબ આપવા આ રીતે અમારું મોજું આખા સૌરાષ્ટ્રમાં ફરી વળશે. જ્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે આ રેલી દ્વારા વિધાનસભાની ચૂંટણીનું અહીંથી રણશીંગુ ફુક્યું હોવાનો રણકાર કરી આગામી વિધાસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની તમામ સીટો પર કોંગ્રેસના ભવ્ય વિજયનો આશાવાદ વ્યકત કર્યો હતો.

- text