રાજકોટ મોરબી ઇન્ટરસિટી બસને મિતાણા ચાર રસ્તા પર સ્ટોપ આપવા રજૂઆત

- text


 

મિતાણા ચાર રસ્તા પર સ્ટોપ મળે તો આજુબાજુના 14 ગામના 50 હજાર લોકોને મુસાફરીનો લાભ મળે

ગ્રામજનોની સમસ્યાને ક્યારે વાચા મળશે ?

મોરબી: હાલ રાજકોટ-મોરબી વચ્ચે એસટી લોકલ બસની સુવિધા નહિવત્ છે અને જે સેવા મળી રહી છે તેમાં અમુક બસમાં મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે બસ ઉભી રહેતી નથી. ત્યારે રાજકોટ-મોરબી ઇન્ટરસિટી બસનો મિતાણા ચાર રસ્તા પર સ્ટોપ આપવા વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ-મોરબી વચ્ચે ઇન્ટરસિટી બસની સુવિધાનો ઉપયોગ મુસાફરો ખૂબ જ મોટી સંખ્યામાં કરે છે પરંતુ ઈન્ટર સિટી બસનો સ્ટોપ ફક્ત એક જ ટંકારા શહેરને આપવામાં આવ્યો છે. પરંતુ આ હાઈવે પર મહત્વનું અને શહેરની સમકક્ષ ગણાય તેવું મિતાણા ચાર રસ્તા પર જો સ્ટોપ આપવામાં આવે તો આજુબાજુના 14 ગામના 50 હજાર જેટલા ગ્રામ્ય મુસાફરોને આ સેવાનો લાભ મળી શકે તેમ છે.

મિતાણા રસ્તા આજુબાજુના 14 ગામડાનું એપીસેન્ટર અને નાની-મોટી 50 થી 60 કારખાનાનું એપિસેન્ટર છે. આ 14 ગામડાના લોકો રાજકોટ અને મોરબી દરરોજ આવનજાવન કરે છે અને મિતાણાથી આગળના રાજકોટ તરફના ગામડામાં રાજકોટ શહેરી વિસ્તારની સિટી બસ સર્વિસ મળતી હોવાથી તે લોકોને રાજકોટ જવામાં કોઈ મુશ્કેલી પડતી નથી પરંતુ મિતાણા અને આજુબાજુના 14 ગામડાના લોકો તથા 50 થી 60 કારખાનામાં કામ કરતા લોકોને ઇન્ટર સિટી બસ સર્વિસનો લાભ મળી શકતો નથી.

- text

મહત્વનું છે કે, આ ઉપરોક્ત માગણી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વીકારવામાં આવી હતી અને વિભાગીય નિયામક રાજકોટને તાત્કાલિક અસરથી મિતાણા સ્ટોપ માટેની જરૂરી સુચના આપવામાં આવી હતી. પરંતુ આ સૂચનાની અમલવારી કરવામાં આવેલ નથી અને વિભાગીય નિયામક દ્વારા KMPL અને સમયના વ્યય જેવા મામૂલી કારણો આપવામાં આવે છે. મધ્યસ્થ કચેરી અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. આજુબાજુના 10 થી 11 ગામડા જેવા કે, નેકનામ, હમિરપર, રોહીશાળા, ધ્રોલિયા, વિરપર, ગણેશપર, પ્રભુનગર (મિતાણા), સખપર, દહીંસરડા અને ઉકરડાના ગ્રામજનોએ ઉપરની રજૂઆત મુખ્યમંત્રી વાહન વ્યવહારમંત્રી અને રાજકોટ વિભાગીય નિયામક કચેરીને ૬૦ દિવસ પહેલા કરી છે. પરંતુ કોઈ પણ સરકારી વિભાગ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે ગ્રામજનોની માગણી છે કે રાજકોટ-મોરબી ઇન્ટરસિટી બસનો મિતાણા ચાર રસ્તા પર ટોપ આપવામાં આવે જેથી આજુબાજુના ૧૪ જેટલા ગામના લોકોને આ એસટી બસ સેવાનો લાભ મળી શકે.

 

- text