વ્યાજખોરો બેફામ : પિતાએ વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં પુત્રનું અપહરણ

- text


હળવદમાં માસિક દસ ટકા વ્યાજ સાથે ત્રણ ગણા નાણાં ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરી અપહરણ બાદ પુત્રને છરીના ઘા ઝીકાયા

હળવદ : હળવદમાં વ્યાજખોરોએ તમામ હદ વટાવી હોય તેવી સ્થિતિ વચ્ચે માસિક દસ ટકા વ્યાજ વસૂલી ત્રણ ગણા પૈસા વસુલ કરી લીધા બાદ પણ સંતોષ ન થતા મજબુર પિતા પાસેથી વધુ નાણાં પડાવવા યુવાન પુત્રનું અપહરણ કરી છરીના ઘા ઝીકાતા બે અજાણ્યા સહિત છ વ્યાજખોરો વિરુદ્ધ આકરી કલમો મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.

વ્યાજની પઠાણી ઉઘરાણીમાં યુવાનના અપહરણ અને હુમલાની આ ગંભીર ઘટના અંગે ભોગ બનેલા યુવાનના પિતા જુમાભાઇ કરીમભાઇ નારેજા, રહે. લાંબીદેરી, ભવાનીનગર, હળવદ વાળાએ વ્યાજખોર મયુર રબારી, નરશી રબારી, વિક્રમ મનુભાઇ રબારી, મનુભાઇ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ત્રણેક વર્ષ પૂર્વે તેમને ઇકો કાર લેવા માટે વિક્રમ મનુ રબારી પાસેથી ત્રણ લાખ રૂપિયા 10 ટકા માસિક વ્યાજે લીધા હતા જે વ્યાજ અને મુદ્દલ સાથે ત્રણ ગણા ચૂકવી દીધા હોવા છતાં આરોપી વ્યાજખોર વિક્રમે પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા જુમાભાઇ કરીમભાઇ નારેજાના નાના પુત્ર સમીરને અગાઉ વિક્રમ સાથે બોલાચાલી થઈ હતી અને માથાભારે વ્યાજખોરોના ત્રાસથી સમીર હળવદ છોડી એકલો મોરબી રહેવા ચાલ્યો ગયો હતો.

- text

બીજી તરફ ઇદનો તહેવાર હોવાથી સમીર પોતાની નાની બાળકીને જોવા અને કબર ઉપર ફૂલ ચડાવવા ગત તા.9 જુલાઈના રોજ ચુપચાપ હળવદ આવતા વ્યાજખોરો સમીરને જોઈ જતા બુલેટમાં અપહરણ કરીને બસ સ્ટેન્ડ નજીક આવેલ આરતી ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા અને મયુર રબારી, નરશી રબારી, વિક્રમ મનુભાઇ રબારી, મનુભાઇ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ સમીરને બેફામ માર મારતા લોહી લુહાણ સમીર ઉપર દયા ખાઈ ગેસ્ટ હાઉસના માલિક તેના સસરાના ઘેર મૂકી આવ્યા હતા.

વધુમાં વ્યાજખોરોએ સમીરને મરણતોલ માર મારી પગમાં છરીઓ ઝીકવાની સાથે માથામાં ધોકા ફટકારતા સમીરને હેમરેજ થતા હાલમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો છે અને સમીરના પિતાની ફરિયાદને આધારે હાલ હળવદ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૩૬૭, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ-૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨(ડી) મુજબ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી બનાવની ગંભીરતા ધ્યાને લેતા નાયબ જિલ્લા પોલીસ વડા અતુલ કુમાર બંસલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text