ચીફ ઓફિસર લાતીપ્લોટમાં પણ ધ્યાન આપજો ! ગટરના કામમાં પાણીની લાઈન તોડી નંખાઈ

- text


20 – 20 દિવસથી પાણીની લાઈન તૂટ્યા બાદ બેદરકાર કોન્ટ્રાકટર કાન ન દેતા રહેવાસીઓ પરેશાન

મોરબી : ભૂગર્ભ ગટર, કચરાના કોન્ટ્રાકટ ધડાધડ રદ કરી કામગીરી કર્યાનો સંતોષ માનનાર મોરબી પાલિકાના ચીફ ઓફિસર હવે ઠંડા પડી જતા કોન્ટ્રાકટરોને મોકળું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી રહી છે. શહેરના લાતીપ્લોટમાં ગટરના કામ દરમિયાન કોન્ટ્રાકટરે પાણીની લાઈન તોડી નાખતા 20 -20 દિવસથી ગારાકીચડનું સામ્રાજ્ય છવાતા લોકો પરેશાન થઇ રહ્યા છે અને આ ઘોર બેદરકારી મામલે ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરવા છતાં પગલાં લેવાયા નથી.

મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર-7 વિસ્તારમાં નર્મદા એન્ટરપ્રાઇઝ પાછળ ગટરની કામગીરી સમયે વીસેક દિવસ પહેલા પાણીની લાઈન તૂટી જતા દરરોજ હજારો ગેલન પાણી વેડફાઈ જવાની સાથે આ પાણીને કારણે આજુ-બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. આ ઉપરાંત ગટરના ખોદકામ બાદ પાણી ભરાવાથી રસ્તાઓ ગ્રામ્ય માર્ગ જેવા બની ગયા હોય ટુ -વ્હીલ, ફોર વ્હીલ વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે.

વધુમાં આ ગંભીર બેદરકારી મામલે કોન્ટ્રાક્ટરને સ્થાનિક લોકોએ ફરિયાદ કરવા છતાં પાઈપલાઈન રીપેર કરવામાં આવી નથી ઉપરાંત ચીફ ઓફિસરને તા.1 જુલાઈના રોજ લેખિત ફરિયાદ કરવા છતાં ફરિયાદનો નિકાલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

- text