બાળકોનું ભણતર બગાડતા સેવાસેતુના તાયફાનો ફિયાસ્કો થયો

- text


હળવદની ખાનગી શાળામાં આજે બાળકોને રજા આપી તંત્રએ ધરાર સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો ! સેવાસેતુના કાર્યક્રમમાં દર્શાવેલા આંકડા પણ ખોટા નીકળ્યા : સેવાસેતુંમાં મોટાભાગના અરજદારના કામ થયા જ ન હોવાની ફરિયાદ :

જો સરકારી કચેરીમાં સ્ટાફ યોગ્ય કામ કરે તો સેવાસેતુની જ જરૂર ન પડે

હળવદ : હળવદમાં આજે બે સ્થળે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો પણ આ કાર્યક્રમમાં બાવાના બેય બગડ્યા હોય તેવી સ્થિતિ સામે આવી હતી. જેમાં બાળકોનું ભણતર બગાડી સેવાસેતુ કર્યો પણ એનોય ફિયાસકો થયો હતો. હળવદની ખાનગી શાળામાં આજે બાળકોને રજા આપીને તંત્રએ સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો તો ખરો, પણ સેવાસેતુના કાર્યક્રમમાં દર્શાવેલા આંકડા પણ ખોટા નીકળ્યા, સેવાસેતુંમાં મોટાભાગના અરજદારના કામ થયા જ ન હોવાની ફરિયાદ ઉઠી હતી.

હળવદ શહેર ખાતે આવેલ એચઇએસ ખાનગી સ્કૂલમાં આજે નગરપાલિકા અને મામલતદાર તંત્ર દ્વારા સેવાસેતુનું અયોજન કરવામાં આવ્યું હતું.આ 1થી 8 ધોરણના શાળામાં 150 બાળકોને રજા આપીને એટલે આ બાળકોનું ભણતર બગાડીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જો કે આ પ્રજાલક્ષી કાર્યક્રમ કરવા હોય તો શહેરમાં આવી 550 જગ્યા મળી જાય, એના માટે કમસેકમ બાળકોનું ભવિષ્ય તો બગાડવું ન જોઈએ. આમ છતાં પણ કોઈ મજબૂરી વશ કાર્યક્રમ કર્યો હોય તો એ કાર્યક્રમ પ્રજાની લેખે તો લાગવો જોઈએ ને…જેના માટે કાર્યક્રમ કર્યો હતો ત્યાં તો કાગડા ઉડતા હતા અધિકારી અને કર્મચારીઓને પૂછતાં સાચા ખોટા આંકડા દર્શાવતા હતા.કોઈ અધિકારીએ કઈ કામગીરી કેટલી કરી તેનો કોઈ પાસે સ્પષ્ટ જવાબ જ ન હતો. પ્રશ્નો પૂછતાં જ જાણે ચોરી કરતા પકડાઈ ગયા હોય એમ ચોકી ઉઠ્યા હતા.

સેવાસેતુ કાર્યક્રમ જે કામગીરીના આંકડા દર્શાવવામાં આવ્યા તે સદંતર ખોટા હતા. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે જે જૂની મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ કામગીરી કરવા ગયેલા લોકોને ધરમના ધક્કા થયા હતા કારણ કે આધારકાર્ડનો બધો જ સ્ટાફ સેવાસેતુના કાર્યક્રમમાં હતો અને સેવાસેતુના કાર્યક્રમની લોકોને ખબર પણ ન હતી. એટલે સેવાસેતુનો ફિયાસકો થયો હતો અને અમુક લોકો આવતા તેનું પણ કામ થયુ ન હતું.

- text

બીજો એક સેવાસેતુનો કાર્યક્રમ હળવદના મિયાણી ગામે થયો હતો. જેમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી દ્વારા આ સેવાસેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અહીંયા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિતના ભાજપના અગ્રણીઓએ આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જો કે 60થી વધુ લોકો આધારકાર્ડની કામગીરી કરવા માટે આવ્યા હતા. પરંતુ આધારકાર્ડની જ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બાકીના કામો પણ ટલ્લે ચડાવતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આવા કાર્યક્રમો માત્ર લોકોને દેખાડવા માટે જ કરવામાં આવે છે.

હકીકતમાં સરકારી દફતરમાં સરકારી બાબુ ઠીક થી એટલે યોગ્ય રીતે કામ કરે તો આવા કાર્યક્રમની જરૂર જ ન પડે.વધુ માં અહીની પ્રાથમિક શાળામાં પણ આજે કાર્યક્રમ હોવાથી બાળકો ને રજા આપી દેવામાં આવી હતી. જેથી બાળકોનું એક દિવસનું ભણતર બગડયું હતું.

- text