વાંકાનેર મહાસંમેલનમાં મોરબીના માંધાતાઓને આડેહાથ લેતા જીતુભાઇ સોમાણી

- text


પારદર્શક વહીવટ કરતી વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા ચીફ ઓફિસર સાથે સોદાબાજી થયાનો મંચ ઉપરથી સણસણતો આરોપ

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ જમીન મામલે મહાસંમેલનમાં પુરાવા રજુ કર્યા : મહિલા ચીફ ઓફિસરના પતિને કોન્ટ્રાકટ મેળવા હવાતિયાં નાખ્યાનો પણ આરોપ

વાંકાનેર : ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક અને લોકાભિમુખ વહીવટ કરતી વાંકાનેરમાં નગરપાલીકાને સુપરસીડ કરવાના ઇરાદે આપવામાં આવેલ નોટીસના વિરોધમાં ગઈકાલે વાવાઝોડા જેવા વાતાવરણમાં એકલવીર જીતુભાઇ સોમાણીએ બોલાવેલ મહાસંમેલનમાં રીતસરનું વાવઝોડુ ફૂંકાયું હતું અને સભામંચ ઉપરથી જીતુભાઇ સોમાણીએ મોરબીના કહેવાતા માંધાતાઓને ઉપસ્થિત જનમેદની જોઈ શાનમાં સમજી જઈ કાવાદાવા બંધ કરવા ખુલ્લી ચેતવણી આપી ભ્રષ્ટાચારી ચીફ ઓફિસરની બદલીના બદલામાં સુપરસીડ નોટિસનો મોરબીના માંધાતાઓએ સોદો કર્યો હોવાનો ખુલ્લમખુલ્લા આરોપ લગાવ્યો હતો.

વાંકાનેર પાલિકાને કારણ વગર જ મલિન રાજકીય ઈરાદા સાથે સુપરસીડ કરવા નોટિસ આપવામાં આવતા વાંકાનેર ભાજપના પર્યાય ગણાતા જીતુભાઇ સોમાણીએ રઘુવંશી સમાજ સહિત સર્વજ્ઞાતિય મહાસંમેલન બોલાવ્યું હતું. અગાઉ આ સંમેલનને પાલિકા ગ્રાઉન્ડમાં મંજૂરી આપવામાં આવા બાદ છેલ્લી ઘડીએ મંજૂરી રદ કરવામાં આવતા આ સંમેલન જડેશ્વર રોડ ઉપર યોજાયું હતું અને મહાસંમેલનના પ્રારંભે જ જીતુભાઇ સોમાણીએ મહાસંમેલન રદ કરાવવા કોઈનું નામ લીધા વગર જ મોરબીના માંધાતાઓ વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો.

વધુમાં ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ બોલાવેલા આ મહાસંમેલનમાં શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી જંગી માનવ મેદની ઉમટી પડી હતી. જો કે, ભારે તોફાની પવન સાથે વરસાદ વરસવા છતાં ઉપસ્થિત જનમેદની છેલ્લે સુધી સંમેલન સ્થળે અડગ રહી હતી. આ તકે લોહાણા અગ્રણીઓએ જીતુભાઇ સોમાણી તથા જયશ્રીબેન સેજપાલ ને અન્‍યાય શા માટે તેવા સવાલ ઉઠાવી જીતુભાઇ સોમાણીની કારકિર્દી ખતમ કરવા નિકળેલાઓને હવે અમો સાખી નહીં લઇએ તેવો સ્પષ્ટ હુંકાર ભણ્યો હતો.

- text

મહાસંમેલનમાં જીતુભાઇ સોમાણીએ પોતાના તેજાબી ભાષણમાં મોરબીના માંધાતાઓ અને સુપરસીડનો કારસો રચનાર ચીફ ઓફિસર તેજલબેન મુંધવાની હકીકત પ્રજા સમક્ષ મૂકી હતી. તેઓએ ઉમેર્યું હતું કે વાંકાનેરના નગરપાલીકાના ચીફ ઓફીસર તેજલબેન જે.મુંઘવા વાંકાનેરને ચાણસ્મા બનાવવા માંગતા હતા પરંતુ અમે ભ્રષ્ટાચાર ન આચરવા દેતા પોતાની બદલી કરાવવા પ્રયત્નોમાં લાગી ગયા હતા તેમાં પણ સફળ ન થતા અંતે મોરબીના રાજકીય માંધાતાઓ સાથે સોદાબાજી કરી વગર કારણે વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા નોટિસનો ખેલ રચ્યો હતો.

મહાસંમેનમાં જીતુભાઇ સોમાણીએ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષની રદ થયેલી જમીન મામલે પણ લેખિત પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા. ઉપરાંત સતવારા સમાજની ખાલસા થયેલી જમીન ઉપર મોરબીના મંધાતાએ મોટા બિલ્ડીંગ ખડકી દીધા હોવાનું જણાવી ભ્રષ્ટાચારથી ખદબદતી મોરબી પાલિકામાં પાલિકાના પતિ અને કાઉન્સીલરના પતિના કમિશન કાંડનો ઉલ્લેખ કરી તાકાત હોય તો પગલાં ભરવા લલકાર કર્યો હતો.વધુમાં જીતુભાઇ સોમાણીએ વાંકાનેર પાલિકાના કોન્ટ્રાક્ટરને સ્ટેજ ઉપર બોલાવી ચીફ ઓફિસર તેજલબેનના પતિ દ્વારા પાલિકાના કોન્ટ્રાકટ રાખવા પણ ખેલ કર્યો હતો પરંતુ તેમાં સફળ થયા ન હોવાનું જણાવ્યું હતું.

જીતુભાઇ સોમાણી આયોજિત આ મહાસંમેલનમાં વાંકાનેર તાલુકાના અનેક ગામોના સરપંચો, આગેવાનો, મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખાસ કરીને વાંકાનેર તાલુકાના માલધારી સમાજે પણ તેઓ જીતુભાઇ સોમાણી સાથે હોવાનું મંચ ઉપરથી જાહેર કર્યું હતું.

- text