ચામડીના રોગોમા સ્ટીરોઈડની જગ્યાએ “બાયોલોજિકસ” દવાઓના ઉપયોગ અંગે મોરબીમાં સેમિનાર યોજાયો

- text


મોરબીના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા રાજ્ય કક્ષાનો “બાયોલોજિકસ ” વિષય પર સેમિનાર યોજાયો

સોરાયસીસ, પેમ્પફીગસ, સફેદ ડાઘ (કોઢ), ઉંદરી, એલર્જી જેવા અસાધ્ય રોગો માટેની બાયોલોજિકસ જેવી ન્યુ દવાની સારવાર અંગેના સેમિનારનું આયોજન કરતા મોરબીના સ્પર્શ ક્લિનિકના ડો. જયેશભાઇ સનારિયા અને દ્રષ્ટિ હોસ્પીટલના ડો. ભાવેશભાઈ દેવાણી

મોરબી (નિર્મિત કક્કડ દ્વારા) : ચામડીમાં અસાધ્ય ગણાતા રોગો જેવા કે સોરાયસીસ, પેમ્પફીગસ, સફેદ ડાઘ (કોઢ), ઉંદરી, એલર્જી અને શીળસ જેવા રોગો કે જેમા દર્દીને સ્ટીરોઇડસ જેવી દવાના સહારે જિંદગી જીવવી પડતી હોય છે, જેના પરિણામે લાંબા સમયે ઘણી ગંભીર આડઅસરો થતી હોય છે. પરંતુ પ્રવર્તમાન સમયમા તબિબિ ક્ષેત્રે અવનવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે ચામડીના અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ માટે સ્ટીરોઈડ રહીત નવી દવા “બાયોલોજીક્સ” ની શોધ થઈ છે.

આ અત્યાધુનિક દવાઓનો મુંબઈ, દિલ્હી, અને બંગ્લોર જેવા મેગા સીટીમા મોટાભાગે ઉપયોગ થતો હતો, જેનો પ્રચાર પ્રસાર નાના શહેરોમા ન હતો. તેથી ચામડીના રોગોમાં આ દવાઓનો કઈ રીતે ઉપયોગ કરવો અને દર્દીને મહત્તમ કેમ ફાયદો થઇ શકે એના વિશેના સેમિનારનું અનેરું આયોજન મોરબી ના ખ્યાતનામ ડર્મિટોલોજીસ્ટ સ્પર્શ ક્લિનીક વાળા ડો. જયેશ સનારીયા તથા દ્રષ્ટિ હોસ્પીટલ વાળા ડો.ભાવેશ દેવાણી દ્વારા મોરબીની ફર્ન હોટલ ખાતે 26 જૂન, રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, સુરત, રાજકોટ, ગાંધીધામ, રાજકોટ, ગોંડલ, વેરાવળ, પાલનપુર, પાટણ અને મોરબી સહીતના શહેરોના 70થી વધુ સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સએ ભાગ લીધો હતો અને દરેક મુદ્દાઓ ઉપર વિસ્તૃતમા ચર્ચા કરવામાં આવી હતી.

આ સેમિનારને સફળ બનાવવામાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ, વિનેરોલોજિસ્ટ અને લેપ્રોલોજિસ્ટ (IADVL), ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડો. જગદીશ સખીયા, જોઇન્ટ સેક્રેટરી ડો.પિયુષ બોરખતરીયા તેમજ મોરબી ડર્મેટોલોજિસ્ટ આસોસીએશન અને ડો. ભાવેશ દેવાણી તેમજ સ્પર્શ ક્લિનિકના ડો. જયેશ સનારિયાએ જહેમત ઉઠાવી હતી, તેમજ IPCA લિમિટેડ ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિપુલભાઈ મકવાણા અને અનિલભાઈ નાજકાણીના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે ચર્મરોગની બિમારીથી પીડાતા લોકો શારીરીક તેમજ માનસિક યાતનાઓથી સતત પિડાતા રહે છે તેમજ સ્ટીરોઈડ યુક્ત દવાઓનુ લાંબા ગાળા સુધી સેવન કરવાથી ગંભીર આડઅસરો જોવા મળે છે ત્યારે અસાધ્ય રોગોમા સ્ટીરોઈડ રહીત દવાઓનો ઉપયોગ લોકોને ગંભીર આડઅસરોમાંથી બચાવી શકે છે. નજીકના ભવિષ્યમા મોરબી જેવા ગુજરાતના અન્ય નાના શહેરોમા પણ આવી દવાઓ ઉપલબ્ધ બની રહેશે જેથી મહદ્અંશે લોકોને સ્ટીરોઈડની આડઅસરમાંથી મુક્તિ અપાવી શકાશે તેમ ડો. જયેશ સનારીયા (સ્પર્શ ક્લીનીક) તથા ડો. ભાવેશ દેવાણી(દ્રષ્ટિ હોસ્પીટલ)એ જણાવ્યુ છે.

- text