હળવદમાં ભારે પવનને કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ

- text


મહામહેનતે આસપાસના લોકોએ પાંચેય ભેંસોને બચાવી લીધી, ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ, વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડયા

હળવદ : હળવદમાં આજે મોડી સાંજે મિની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતાં પાંચ ભેંસો દટાઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ હતી. જો કે તબેલાના શેડ નીચે દટાયેલી પાંચેય ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડયા હતા.

હળવદમાં આજે મોડી સાંજે અસહ્ય બફારા અને ગરમીને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું ઝાપટું પડ્યું હતું. જો કે વરસાદ તો માત્ર થોડો જ પડ્યો હતો. પણ જોરદાર પવન ફૂંકાયો હતો. મીની વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી. જેમાં હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આવેલ તબેલાનો આખો શેડ ઉડી ગયો હતો. જેથી આ શેડ હેઠળ પાંચેક ભેંસો દટાઈ ગઈ હતી.

આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને મહામહેનતે ભેંસોને શેડ નીચેથી બહાર કાઢી લીધી હતી. તેમજ શેડ નીચે અમુક ગાયો પણ દટાઈ જતા ઇજા થઇ હતી. હળવદના કોયબા રોડ ઉપર આવેલ વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડયા હતા. રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે. તેમજ બેનરો, હોર્ડિંગને નુકસાન થયું છે.

- text

- text