ગૃહમંત્રીના આગમન પૂર્વે મોરબી પોલીસ સફાળી જાગી ! કામગીરીનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું

- text


માથાભારે તથા બુટલેગર ઇસમોને જુદી જુદી જેલોમાંથી પાસા તળે ધકેલ્યા : એક માસમાં વણશોધાયેલ ગુનાઓ શોધી ગુનેગારો વિરુદ્ધ કામગીરી કર્યાનો અહેવાલ મીડિયા સમક્ષ રજુ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કાયદો અને વ્યવસ્થાની કામગીરી કથળી છે. ત્યારે આવતીકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રીના આગમન પૂર્વે જ જિલ્લા પોલીસ જાણે સફાળી જાગી હોય તેમ અચાનક જ પોલીસની કામગીરીનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલા ચોરી, લૂંટ, ખંડણી, ચીલ ઝડપ, નશાખોરો સહિતના ગુનાઓનો ભેદ ઉકેલી ગુન્હેગારોને જેલમાં ધકેલ્યા હોવાનું સરવૈયું રજૂ કર્યું છે.

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અન્વયે મોરબી જિલ્લા પોલીસે માથાભારે તથા બુટલેગર ઇસમોને જુદી જુદી જેલમાં પાસા તળે ડિટેક્ટ કરી કામગીરી કરી હોવાનું જણાવાયું છે.

ઉપરાંત મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ખાનગી બસમાં આરોપીઓએ આંગડિયા પેઢીના રોકડા રૂપિયા 1,19,50,000ની લૂંટ ચલાવેલી જે ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત ગત 6 એપ્રિલના રોજ મહિલાના ગળામાંથી થયેલ ચીલ ઝડપ સહિત 10 ચીલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

- text

તેમજ ભાડૂતી જગ્યામાં ભેળસેળ વાળું ઓઇલ, રો મટીરીયલ વગેરે મળી રૂપિયા 25,50,995 નો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડયા છે. તેમજ મોટર સાયકલ ચોરી, ગાંજો, માર્કેટિંગ યાર્ડમાં થયેલ જીરૂની ચોરી અને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારને પણ પકડી પાડવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝને માદક દ્રવ્ય ગાંજો મળી 72,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબી તાલુકા પોલીસે ઇલેક્ટ્રિક કાર્ડ ચોરી, ટંકારા તાલુકા પોલીસે ખંડણી, લૂંટ તેમજ દુકાનમાં આવી પૈસાની ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર આરોપી સહિત ચારને ઝડપી લીધા છે.

વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ 4800 સહિત રૂપિયા 25,83,080નો મુદ્દામાલ કબજે કરી બે રાજસ્થાનીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ટંકારા તાલુકા પોલીસે લૂંટ જ્યારે માળીયામીયાણા પોલીસે વિદેશી દારુ તેમજ આંગળીયા પેઢીના રોકડા રૂપિયા 62,00,000 ભરેલ થેલો સાથે ચાર આરોપીને પકડી પાડી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ સહિતની કામગીરીઓનું રિપોર્ટ કાર્ડ રજૂ કરાયું છે.

- text