હળવદ માળીયા રોડ ઉપર લૂંટારું ગેંગનો આંતક, 6થી8 કારખાનામાં લૂંટ

- text


ગંગોત્રી ઓઇલ મિલના માલિક અને મજૂરોને માર મારી રોકડ દાગીના લૂંટી ગયા, લૂંટનો આંકડો મોટો હોવાથી ઉધોગકારો અને વેપારીઓમાં ધગધગતો આક્રોશ, લૂંટારુઓ ન પકડાઈ તો હળવદ બંધની ચીમકી : સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

હળવદ : હળવદ માળીયા હાઇવે ઉપર આવેલી ઇન્સ્ટ્રીઝ વિસ્તારને ગતરાત્રે નિશાન બનાવીને લૂંટારું ગેંગે આંતક મચાવ્યો હતો.જેમાં ગંગોત્રી ઓઇલ મિલના માલિક અને મજૂરોને માર મારી રોકડ દાગીના લૂંટી ગયા હતા. જો કે આ લૂંટારું ટોળીએ આ વિસ્તારમાં આવેલ છથી આઠ કારખાનામાં લૂંટ મચાવી હોવાનો અંદાજ છે. લૂંટનો આંકડો બહુ જ મોટો હોય અને અવારનવાર લૂંટ બનાવો બનતા ઉધોગકારો અને વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ અંગે પોલીસ સખત કાર્યવાહી ન કરે તો વેપારીઓએ હળવદ બંધની ચીમકી ઉચ્ચારી છે.

સનસનીખેજ લૂંટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રે હળવદ માળીયા હાઇવે ઉપર સાતથી આઠ સભ્યોની લૂંટારું ટોળકી ત્રાટકી હતી અને આ ટોળકી આ વિસ્તારમાં આવેલા કારખાનાઓને ધમરોળી નાખ્યા હતા.હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ સાતથી આઠ જેટલા કારખાનામાં આ ટોળકીએ લૂંટ મચાવી હોવાનો અંદાજ છે. જેમાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ગંગોત્રી ઓઇલ મિલમાં આ ટોળકી ત્રાટકી ત્યારે માલિક અને મજૂરોએ તેનો પ્રતિકાર કરતા લૂંટારુઓ તેમને માર મારીને દાગીના સહિત જે કાંઈ હાથ લાગ્યું તેની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની આજે સવારે કારખાનામાં આવેલા ઉધોગકારો અને વેપારીઓને જાણ થતાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વેપારીઓના જણાવ્યા મુજબ હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના પેકેજીગ, ગંગોત્રી ઓઇલ મિલ સહિતના સાતથી વધુ કારખામાં લૂંટારુઓ જે કાંઈ હાથ લાગ્યું તેની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.હાલ તો હજુ વેપારીઓ પોતાના કારખાને આવીને તપાસ કરી રહ્યા છે કે તેમના કારખાનામાં કેટલી મતાની લૂંટ થઈ છે તે અંગે તપાસ કર્યા બાદ જ સાચો આંકડો બહાર આવશે. આ ટોળકી લૂંટ ચાલવાની સાથે માર મારતી હોવાથી વેપારીઓ અને મજૂરો ભયભીત બની ગયા છે. ખાસ કરીને આ જાહેર રોડ હોવા છતાં પોલીસના સઘન પેટ્રોલીંગના દાવા ફરી એકવાર પોકળ ઠરતા વેપારીઓ રોષે ભરાયા છે.

વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ લૂંટારુઓ આ ઔદ્યોગિક વિસ્તારમાં ત્રાટકયા હતા. છતાં પોલીસે એની ગંભીર નોંધ લીધી નથી.પરિણામે આજે લૂંટારુઓએ મોટું ખાતર પાડયું છે. ગતરાત્રે અનેક કારખાનાને નિશાન બનાવ્યા છે. જેમાં વેપારીઓ અને પોલીસની તપાસ બાદ જ કેટલા કારખાનામાં કેટલી લૂંટ થઈ તેનો સાચો આંકડો બહાર આવશે.પણ લૂંટારુઓ વારંવાર ત્રાટકતા હોય વેપારીઓ અસલામત બની ગયા છે અને હજુ પણ જો પોલીસ કડક કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં હળવદ બંધની ચીમકી આપી છે.

- text

દરમિયાન આ સનસનીખેજ લૂંટના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પાંચેક લૂંટારુઓ દેખાય છે અને પાઇપ, ધોકા તેમજ અન્ય હથિયારો સાથે ત્રાટકેલી આ ગેંગમાં સાતથી આઠ શખ્સો સામેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text