મોરબીમાં માસિક 30 ટકા વ્યાજ વસૂલી વ્યાજખોરે બેન્ક કર્મીનું એટીએમ પડાવી લીધું

- text


રવાપર રોડ ઉપર રહેતા બેન્ક કર્મચારીએ દેણું ભરવા દોઢ લાખ લીધા અને વ્યાજના ચક્કરમાં ફસાયા : અડધી રાત્રે ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપનાર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીની બેંકમાં નોકરી કરતા અને શેરબજારના ચક્કરમાં દેણામાં આવી ગયેલા બેન્ક કર્મચારીએ રૂપિયા દોઢ લાખ માસિક 30 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજ નહિ ચૂકવી શકતા વ્યાજખોર પિતા – પુત્રએ અડધી રાત્રે માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપી એટીએમ પડાવી લેતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઇન્ડુસઇન્ડ બેંકમાં નોકરી કરતા અને રવાપર ધુનડા રોડ ઉપર ટવીનટાવર બી-વીંગ બ્લોકનં 701માં રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધી શેરબજારના ચક્કરમાં દેણામાં આવી જતા તેઓએ નિરવભાઇ અશોકભાઇ ગંદા પાસેથી માસિક 30 ટકા વ્યાજે નાણાં લીધા હતા અને મહિને 45 હજાર રૂપિયા વ્યાજ પેટે બે વખત ચૂકવ્યા બાદ એક વખત 25 હજાર ચૂકવ્યા બાદ વ્યાજ ચૂકવી શક્યા ન હતા.

- text

બીજી તરફ વ્યાજખોરોને નિયમિત વ્યાજ મળતું બંધ થઈ જતા વ્યાજખોર નિરવભાઇ અશોકભાઇ ગંદા ગુસ્સે ભરાયો હતો અને અડધી રાત્રે તેના પિતાજી અશોકભાઇ ગંદાને સાથે લઈ વિશાલભાઈ પાસે પઠાણી ઉઘરાણીએ આવી ઢીકા પાટુનો માર મારી ખિસ્સામાંથી એક્સીસ બેંકનું એટીએમ પડાવી લઈ નો પૈસા વ્યાજ સહિત નહિ ચૂકવે તો જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

વધુમાં માર માર્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા સતત ધમકીઓ ચાલુ રખાતા અંતે વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધીએ આ મામલે મોરબી સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વ્યાજખોર પિતા-પુત્ર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text