કચરો ઉપાડવાની કામગીરી પાલિકાએ સંભાળતા મહિને રૂ. 22 લાખની બચત

- text


મોરબીમાં ડોર – ટુ -ડોર અને ઉકરડા ઉપડવામાં કોન્ટ્રાકટરો વિદાય થતા મહિને લાખોની બચત 

કોન્ટ્રાકટર કરતા વધુ ટ્રેકટર-છોટા હાથી દ્વારા કચરો ઉપાડવાની કામગીરી છતાં મહિને 22 લાખ રૂપિયાની બચત

મોરબી : મોરબીમાં દલા તરવાડીની વાર્તાની જેમ પાલિકામાં પેધી ગયેલા કોન્ટ્રાકટરોને મહિને લાખો રૂપિયા ચૂકવવા છતાં પણ યોગ્ય રીતે કચરો ન ઉપાડતા નવનિયુક્ત ચીફ ઓફિસરે શહેરમાં ડોર – ટુ -ડોર કચરો એકત્રિત કરવા અને ઉકરડા ઉપડવામાં કોન્ટ્રાકટરો વિદાય આપી પાલિકા હસ્તક કામગીરી લઈ લેતા હાલમાં પાલિકાને મહિને અંદાજે 22 લાખ રૂપિયા જેટલી બચત થવા પામી છે.

મોરબી નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા પાલિકાની સૂચના છતાં પણ શહેરમાં ડોર – ટુ -ડોર કચરો એકત્રિત કરવા અને ઉકરડા ઉપડવામાં કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા અંતે બન્ને કામગીરી પાલિકા હસ્તક લઈ બન્ને કોન્ટ્રાકટ રદ્દ કરી નાખ્યા હતા. અગાઉ પાલિકા દ્વારા ડોર – ટુ -ડોર કચરો એકત્રિત કરવા પાછળ રૂપિયા 23થી 24 લાખનું આંધણ કરવામાં આવતું હતું છતાં યોગ્ય કામગીરી ન થતી હતી જયારે પાલિકા દ્વારા આથી પણ સારી કામગીરી હાલમાં માત્ર 15થી 17 લાખના ખર્ચમાં કરવામાં આવતા મહિને સાત લાખનો ચોખ્ખો ફાયદો થયો છે.

- text

એ જ રીતે અગાઉ મોરબીના જુદા-જુદા વિસ્તારમાં જાહેર ન્યુસન્સ પોઇન્ટ એટલે કે ઉકરડામાં એકત્રિત થતો કચરો ઉપાડવા ખાનગી કોન્ટ્રાક્ટરને 30થી 35 લાખ ચુકવવામાં આવતા હોવા છતાં નિયમિત કચરો ઉપડતો ન હતો અને કોન્ટ્રાકટર 12 ટ્રેકટર વડે આ કામગીરી કરતો હતો જેની સામે પાલિકાએ પોતાના હસ્તક આ કામગીરી શરૂ કરી 14 ટ્રેકટર દ્વારા કચરો એકત્રિત કરવા પાછળ માત્ર 18થી 20 લાખના ખર્ચમાં ઉકરડાની સઘન સફાઈ કરાવી મહિને 15 લાખથી વધુની બચત કરી છે.

જો કે, પાલિકા હસ્તક હાલમાં કચરો ઉપાડવાની કામગીરીમાં અંદરના ઘણા વિસ્તારોમાં કચરો નહીં ઉપડતો હોવાની ફરિયાદો છે છતાં પણ પાલિકા દ્વારા કોન્ટ્રાકટરની તુલનાએ સારી કામગીરી કરી મહિને 22 લાખ રૂપિયાની બચત કરી છે સાથો – સાથ ટૂંક સમયમાં જ પાલિકા દ્વારા કચરો એકત્રિત કરવા વજન મુજબ નહીં પરંતુ કામગીરી મુજબ નાણાં ચૂકવવા કોન્ટ્રાકટ આપવાની તજવીજ પણ શરૂ કરી છે.

- text