માઝા મેંગોના એક ગ્લાસમાં ઇકો ગાડી અને 10 હજાર રોકડા ગ્યા !!

- text


ધ્રાંગધ્રાથી મોરબી આવવા માટે 1800 રૂપિયામાં ગાડી બાંધ્યા બાદ સુરેન્દ્રનગરના ડ્રાઇવરને ઘેની પદાર્થ પીવડાવી હળવદમાં લૂંટી લેવાયો

હળવદ : ધ્રાંગધ્રાથી મોરબી આવવા માટે રૂપિયા 1800માં સ્પેશિયલ ઇકો ગાડી બાંધી હળવદ નજીક ઇકો ચાલકને માઝા મેંગોમાં ઘેની પદાર્થ પીવડાવી બે શખ્સોએ બેભાન કરી રૂપિયા 10 હજાર રોકડા, મોબાઈલ ફોન, ડોક્યુમેન્ટ તફડાવી જવાની સાથે ઇકો ગાડી લઈ નાસી છૂટતા સર્વસ્વ ગુમાવી દેનાર ઇકો ચાલક બે દિવસથી હળવદ પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યો છે, જો કે, હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ નથી.

આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે રહેતા લાલાભાઇ પ્રતાપભાઈ ખોખલીયા નામના ઇકો ગાડીના ચાલક બે દિવસ પૂર્વે ધ્રાંગધ્રા હતા ત્યારે સાંજના સમયે બે અજાણ્યા ઈસમોએ મોરબી જવા માટે ઇકો કાર ભાડે કરવાનું કહેતા લાલાભાઇ પ્રતાપભાઈ ખોખલીયાએ રૂપિયા 1800 ભાડું બાંધી મોરબી આવવા રવાના થયા હતા.

- text

દરમિયાન ઇકો કાર હળવદ મોરબી ચોકડીએ પહોંચતા જ ઈકોમા બેઠેલા બન્ને શખ્સોએ નજીકની હોટલે ગાડી ઉભી રાખવાનું કહી ચા-પાણી, ઠંડુ લઈ આવું તેમ કહી કાર થોભાવી હતી અને થોડીવારમાં જ બન્ને શખ્સ માઝા મેંગો અને નાસ્તો લાવ્યા હતા અને ઇકો ચાલકને માઝા મૅન્ગોનો ગ્લાસ ભરીને આપ્યો હતો. આ ઠંડુ પીણું પીધા બાદ ગાડી થોડે આગળ હવામાં ઊભી રાખવા બન્ને એ કહેતા લાલાભાઇ ગાડી ચલાવ્યા બાદ શું થયું એ કઈ ખબર જ પડી ન હતી.

જો કે, બેભાન બનેલા લાલાભાઇ આખી રાત્રી નિર્જન સ્થળે પડયા રહ્યા બાદ છેક બીજા દિવસે ભાનમાં આવતા ઇકો ગાડી, તેમનો મોબાઈલ ફોન, પાકીટમાં રહેલા રૂપિયા 10હજાર રોકડા, અને અન્ય જરૂરી કાગળો પણ બન્ને ગઠિયા લઈને જતા રહેતા છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરના લાલાભાઇ પ્રતાપભાઈ ખોખલીયા હળવદ પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે, હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ નથી.

- text