ગાંધીનગરમાં યોજાનાર ધરણા કાર્યક્રમને લઈને રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની મહત્વની મિટીંગ મળી

- text


6 મેના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ધરણાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહેશે

મોરબીઃ તારીખ 30 એપ્રિલ 2022ના રોજ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા ગુજરાતના નેજા હેઠળ રાજ્યના નેતૃત્વ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના, તાલુકાના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૬ મે ૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવા માટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાશે અને આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી શિક્ષક ભાઈઓ-બહેનો તથા કર્મચારીઓ માથે કેસરી પટ્ટી રાખી ધરણા કાર્યક્રમ આપવાના છે. જેના અનુસંધાને મોરબીમાં આ બેઠકનું આયોજન સયુંકત મોરચાના સંયોજક દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં દરેક તાલુકામાંથી ખુબજ બહોળી સંખ્યામાં તમામ કર્મચારીઓ સહિત તમામ શિક્ષક બંધુ અને ભગીનીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થાય તે બાબત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠકમાં મંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા કાર્યક્રમની વ્યૂહરચના સંદર્ભેનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ટંકારાના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા દ્વારા તમામ સંવર્ગના હોદ્દેદારોને તારીખ ૬ મેના રોજ આંદોલન કાર્યક્રમમાં કેવી રીતે શિસ્તબદ્ધ રહેવાનું છે, કેવી રીતે વધુમાં વધુ કર્મચારીઓ જોડાય, એક કર્મચારી તરીકેની આપણી ત્યાં ફરજ કેવી હશે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.

- text

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ માળિયાના અધ્યક્ષ અને જિલ્લાના ઉપાઘ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે માઇક્રો પ્લાનિંગ દ્વારા કાર્યક્રમને સફળ કેમ બનાવવો ? તેનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. મહેન્દ્રભાઈ ગોસરા અને સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ હળવદ અને મોરબી દ્વારા બહેનો વધુમાં વધુ કેમ જોડાય ? બહેનોને ગાંધીનગર જવા માટેની વ્યવસ્થા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ગાંધીનગર ખાતે છઠ્ઠી મેના રોજ ધરણામાં કુલ 100 કરતા વધુ ગાડીઓમાં પાંચસોથી વધુ કર્મચારીઓ ઉમટી પડશે એવું એકી અવાજે નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

- text