બોલો લ્યો ! ગઠિયા સિરામીક ફેકટરીના ગોડાઉનમાંથી ટાઇલ્સ ચોરી ગયા

- text


જાંબુડિયા ગામની સીમમાં એવીયા સિરામીકના ગોડાઉનમાં બનેલો બનાવ : ચોર આખું આઇસર ભરીને 4.64 લાખની ટાઇલ્સ લઈ જતા ફરિયાદ

મોરબી : મોરબીમાં ચોર, ગઠિયા હવે માઝા મૂકી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે જાબુંડિયા ગામની સીમમાં આવેલ સિરામીક ફેકટરીના ગોડાઉનને નિશાન બનાવી આઇસર અને મોટર સાયકલમાં આવેલ ગઠિયાઓ રૂપિયા 4.64 લાખની કિંમતની સ્લેબ ટાઇલ્સની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂંટુ ગામે બસ સ્ટેશન સામે છોટે સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ અશોકભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ચાલક તથા મોટર સાયકલ ચાલક ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે, ગત તા. 27ના રાત્રીના સાડા દસેક વાગ્યાથી તા.28ના રાતના આશરે દોઢેક વાગ્યા દરમ્યાન તેમના જાંબુડિયા ગામ નજીક આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમાથી રૂપિયા 4.64 લાખની કિંમતની ટાઇલ્સની ચોરી થયેલ હતી.

- text

વધુમાં ચોર ગઠિયાઓ દ્વારા ગોડાઉનમાંથી સ્લેબ ટાઇલ્સનો પ્રીમીયમ તથા એસ.ટી.ડી માલની 800 x 2400 mm માપના સ્લેબ ટાઇલ્સના પીસ નંગ-476 જે એક પીસની કિમત રૂપિયા 975 લેખે 4.64 લાખની કિંમતની સ્લેબ ટાઇલ્સ ચોરી થવા મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text