મોરબીમાં પૈસા વાપરવા ન આપનાર યુવાનની હત્યા કરનાર ત્રણને આજીવન કેદ

- text


વર્ષ 2017ના હત્યાના બનાવનો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો, એક આરોપી નિર્દોષ જાહેર

મોરબી : મોરબીના સામાકાંઠે વર્ષ 2017માં વાપરવા માટે પૈસા આપવાનો ઈન્કાર કરનાર યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકીને પતાવી દીધો હોવાનો બનાવ આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ બનાવમાં ત્રણ આરોપીને દોષી જાહેર કરી ત્રણેયને આજીવન કેદની સજા ફટાકરી છે.જ્યારે એક આરોપીને નિર્દોષ છોડી મુક્યો છે.

 

આ બનાવની વિગત એવી છે કે, મોરબીના સામાંકાંઠે આવેલ રામકૃષ્ણનગર, ખોડિયાર મંદિર ચોક પાસે રસ્તા ઉપર ગત તા 21/5/2017 ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ બનાવની પોલીસની તપાસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારા, રામદેવ રાજુભાઇ ચાવડા, મયુરસિંહ નાનુંભા જાડેજા, સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની સંડોવણી ખુલતા આ ચારેય સામે હત્યાનો ગુન્હો દાખલ થયો હતો. જેમાં આરોપીઓ વારંવાર મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરતા હતા પરંતુ મૃતક યુવાને પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવ અંગે જે તે સમયે પોલીસે આરોપીઓને પકડી લીધા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

- text

દરમિયાન આ હત્યા કેસ આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલો તેમજ 28 દસ્તાવેજી પુરાવા અને 26 મૌખિક પુરાવાને ધ્યાને લઈને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયધીશ એ.ડી.ઓઝાએ આ હત્યા કેસમાં ત્રણ આરોપીઓ સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારા, રામદેવ રાજુભાઇ ચાવડા, મયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત ઠેરવી ત્રણેયને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે એક આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ છોડી મુક્યો છે.

- text