મોંઘવારીનો નવતર વિરોધ : મોરબીમાં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ડબ્બાને આપી પુષ્પાજંલી 

- text


કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ મોંધવારી બેનેરો પહેરી ગેસના સિલિન્ડર માથે ઊંચકી રેલી સ્વરૂપે નીકળીને રોડ ઉપર બેસી કે સુઈ જઈને ભાજપ સરકારના નામના છાજિયા લીધા, હજુ પણ સરકાર નહિ જાગે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસે આજે કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીનો નવતર રીતે વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ મોંધવારી બેનેરો પહેરી ગેસના સિલિન્ડર માથે ઊંચકી રેલી સ્વરૂપે નીકળીને રોડ ઉપર બેસી કે સુઈ જઈને ભાજપ સરકારના નામના છાજિયા લીધા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે હજુ પણ સરકાર નહિ જાગે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેગાઈ મુક્ત ભારત અભિયાન હેઠળ મોંઘવારીના વિરોધમાં ભાજપ સરકારને ઢંઢોળવા માટે મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે નવતર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ પહેલા પેટ્રોલ-ડીઝલના ડબ્બા તેમજ રાંધણ ગેસના સિલિન્ડરને પુષ્પાજંલી આપી હતી. તેમજ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમુક કાર્યકરોએ મોંઘવારીના બનેરો પહેરીને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. સાથેસાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ત્યાંથી ગેસ સિલિન્ડર ઊંચકી રેલી સ્વરૂપે નીકળીને રોડ ઉપર બેસી જઈ કે સુઈ જઈને ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી લગાવી હતી. તેમજ ખાલી ડબ્બા ખખડાવી ભાજપ સરકારના નાનના છાજીયા લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડની વચ્ચે આ રીતે વિરોધ પ્રદર્શનથી થોડીવાર ટ્રાફિકજામ થયો હતો.

- text

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ તેમજ અગ્રણીઓ મનોજભાઈ પનારા, મહેશભાઈ રાજ્યગુરુ, મુકેશભાઈ ગામી સહિતનાએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે મોંઘવારી એટલી હદે વધી રહી કે પ્રજા લાચાર બની ગઈ છે. છતાં ભાજપ સતાના નશામાં મસ્ત છે.રાંધણ ગેસ,પેટ્રોલ, ડીઝલ, તેલ, કે સિરામિક ઉધોગ માટેનો નેચરલ ગેસ હોય એમ દરેક વસ્તુઓમાં ભાવો આસમાને આંબી ગયા છે. આવા સંજોગોમાં સામાન્ય અને મધ્યમ વર્ગને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલી પડે છે.તેથી.પ્રજાનો આવાજ બનીને કોંગ્રેસ આજે સરકારને ઢંઢોળવાનું કામ કર્યું છે. તેમ છતાં પણ સરકાર હજુ પણ નહીં જાગે તો આનાથી પણ વધુ જલદ આંદોલન કરવામાં આવશે તેવો લલકાર કર્યો હતો.

- text