દાઝ્યા ઉપર ડામ ! પ્રોપેન ગેસના ભાવમાં 11.75નો ભાવ વધારો

- text


ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસમાં નેચરલ ગેસના ભાવ યથાવત રાખી 20 ટકા કાપ લંબાવ્યો : વધુ ગેસ વાપરવો હોય તો 102 રૂપિયા ભાવ ચૂકવવો પડશે

મોરબી : મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને નેચરલ ગેસના ભાવમાં ચાલુ એપ્રિલ માસમાં કોઈ ભાવ વધારો નડ્યો નથી પરંતુ ગત માસમાં મુકાયેલો 20 ટકા કાપ ગુજરાત ગેસ કંપનીએ ચાલુ રાખી વધુ ગેસ વપરાશ કરવો હોય તો ઉદ્યોગકારો માટે અધધધ કહી શકાય તેવા રુપિયા 102નો નોન એમજીઓ ભાવ અમલી બનાવ્યો છે. બીજી તરફ નેચરલ ગેસના વિકલ્પે પ્રોપેન ગેસ અપનાવનાર ઉદ્યોગકારોને દાઝ્યા ઉપરડામ જેવી સ્થિતિ વચ્ચે પ્રતિકિલો ગેસે રૂપિયા 11.75નો ભાવ વધારો થતા સીરામિક ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ક્લસ્ટરની નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મુશ્કેલી વધી છે. માર્ચ મહિનામાં 20 ટકા કાપનો સામનો કરનાર સીરામીક ઉદ્યોગકારોને ચાલુ મહિને પણ રૂપિયા 64ના ભાવે એમજીઓ મુજબના વપરાશ ઉપર 20 ટકા કાપ ગુજરાત ગેસ કંપની દ્વારા અમલી બનાવવામાં આવ્યો હોવાનું જણાવી મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા એપ્રિલ મહિનામાં કોઈ ભાવવધારો નથી કરાયો પરંતુ એમજીઓ વપરાશ પૂર્ણ થયે જેટલો જોઈએ તેટલો ગેસ રૂપિયા 102ના ભાવે આપવા જાહેર કર્યું છે.

- text

વધુમાં મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ ઉમેર્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લા છ મહિનામાં નેચરલ ગેસના ભાવમાં કરાયેલા ભાવ વધારા અને વપરાશ નિયંત્રણને કારણે હાલમાં મોરબીના 110 જેટલા સીરામીક એકમોમાં નેચરલ ગેસના વિકલ્પે પ્રોપેન ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે ચાલુ માસે પ્રોપેન ગેસના ભાવમાં પણ પ્રતિકિલોએ રૂપિયા 11.75નો વધારો થતા સીરામીક ઉદ્યોગ માટે મુશ્કેલીઓ વધવા પામી છે.

- text