યે આગ કબ બુઝેગી : પેપરમિલની આગ સાંજ સુધીમાં ઓલવાશે : કરોડોનું નુકશાન

- text


અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, રાજકોટના ફાયર ફાયટરો દ્વારા 18 કલાકથી સતત ચલાવાતો પાણીનો મારો : બે શેડ, વેસ્ટ પેપર અને તૈયાર માલ ભસ્મીભૂત

મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલી દિયાન પેપરમિલમાં ગઈકાલે બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં લાગેલી આગ 18 કલાક સુધી સતત પાણીના મારા બાદ આંશિક રીતે કાબુમાં આવી છે પરંતુ સંપૂર્ણપણે આગ ઓલવાતા સાંજ પડે તેમ હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રો અને ફેકટરી માલિકો જણાવી રહ્યા છે. જો કે આગમાં કંપનીને થયેલ નુક્શાનીનો આંક કરોડો ને છતાં હજુ સુધી નુક્શાનીનો કોઈ આક બહાર આવ્યો નથી. બીજી તરફ પ્રચંડ આગ મામલે આજે એફએસએલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલ દિયાન પેપરમિલમાં બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ભયંકર આગ ભભૂકી ઉઠતા પ્રથમ વાંકાનેર અને બાદમાં મોરબીથી ફાયરટીમ બોલાવવામાં આવી હતી. જો કે આગ વિકરાળ બનતા બાદમાં ગોંડલ, રાજકોટ, હળવદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવવામાં આવી હતી. આગ લાગ્યાના 18 કલાક બાદ હવે આગ કાબુમાં આવી હોવાનું મોરબી ફાયર બ્રિગેડના હિતેશભાઈ દવેએ જણાવ્યું હતું.

બીજી તરફ દિયાન પેપર મિલમાં આગના બનાવ અંગે કંપનીના માલિક મનીષભાઈ કાસુન્દ્રાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સતત 14 જેટલા ફાયર ફાઈટરથી પાણીનો મારો ચલાવવામાં આવતા હાલ આગ કાબુમાં આવી છે પરંતુ હજુ પણ વેસ્ટ પેપરમાં તળિયે આગ ધૂંધવાતી હોય સાંજ સુધીમાં સંપૂર્ણ પણે આગ કાબુમાં આવી જશે. જો કે હાલના તબક્કે નુક્શાનીનો આંકડો કે તાગ મેળવવો મુશ્કેલ હોવાનું જણાવી તેઓએ બે શેડ અને કાચા પાકો માલ મોટા પ્રમાણમાં ભસ્મીભૂત થયો હોય વ્યાપક નુક્શાનીની આશંકા દર્શાવી હતી.

- text

દરમિયાન દિયાન પેપરમિલમાં આગના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે જાણવા જોગ નોંધ કરી છે અને આજે એફએસએલ દ્વારા તપાસ કરી આગ લાગવાનું કારણ તપાસવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ તપાસમાં ઝુકાવ્યું હોવાનું જાણવા મળે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text