મોરબીની આંગણવાડી બહેનોને મુખ્યસેવીકામાં બઢતીના હુકમો એનાયત કરાયા

- text


કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, કલેક્ટર જે. બી. પટેલ સહીતનાની ઉપસ્થિતિ

મોરબી : મોરબી આઇસીડીએસ વિભાગ હસ્તક આંગણવાડી બહેનોને મુખ્યસેવીકામાં બઢતી મળતાં રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીના હસ્તે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ગુરુવારે નવ બહેનોને બઢતીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પંચાયત વિભાગ હેઠળ ૧૭ સંવર્ગની ૧૩૦૦૦થી વધુ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી સમયસર અને પારદર્શી તેમજ વિશ્વસનીય પદ્ધતી થાય તે માટેની પ્રક્રિયાઓ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારમાં વહિવટી સુધારણાની પ્રક્રિયા હેઠળ હાલે સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરવામાં આવી છે.

વધુમાં બઢતી મેળવનાર આંગણવાડીની બહેનોને શુભેચ્છા અને અભિનંદન પાઠવતા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, વંચિતો, ગરીબો અને અંત્યોદયની સેવા કરવાનું ફળ આપ સૌને મળેલ છે ત્યારે બઢતીની સાથે જવાબદારી પણ વધે છે તેને સુપેરે નીભાવવા તત્પરતા દાખવવા અને ફરજ પ્રત્યેની જાગૃતતા દાખવવા આહ્વાન કર્યું હતું. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી વર્કરમાંથી મુખ્યસેવીકા તરીકેની સમયસરની બઢતી આપવાની પરિણામલક્ષી કામગીરીથી આપ સૌને હકનું અને સમયસર અપાવી શક્યા છીએ.

આ પ્રસંગે અગ્રણી જીગ્નેશભાઇ કૈલાએ પ્રસંગોચિત્ત વાત કરતાં જણાવ્યું હતું કે, મોરબી-માળીયાના ધારાસભ્ય અને મંત્રીએ પોતાના વિભાગ હસ્તકના કામો માટે મોરબીની સમસ્યાઓમાં અંગતરસ લઇને રહેમદ્રષ્ટિ રાખીને હરહંમેશ ફોલોઅપ લઇને નાના પ્રશ્નો પ્રત્યે પણ ગંભીરતાથી લઇને નિરાકરણ લાવી રહ્યા છે.

બઢતી મેળવનાર ક્રિષ્નાબેન પરમારે જણાવ્યું હતું કે, હાલ હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. મને આંગણવાડી વર્કરમાંથી મુખ્યસેવીકા તરીકે બઢતી મળતા આજે મારુ સપનું સાકાર થયું છે. જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી ફરજ પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી બજાવીશું. આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું મોરબી આઇસીડીએસ વિભાગ તેમજ બઢતી મેળવનાર બહેનો વતી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક નિવાસી કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અગ્રણી વાઘજીભાઇ ડાંગરોચા, પ્રોગ્રામ ઓફિસર મયુરીબહેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓ તેમજ બઢતી મેળવનાર બહેનોએ ભાગ લીધો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text