મોરબીના કેળાના વેપારીને વોટ્સએપ કોલ કરીને ધમકી આપવી એરકંડિશનરના કારીગરને ભારે પડી

- text


સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એસીના કારીગર વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં કેળાનો વ્યાપાર કરતા વેપારીએ એરકંડિશનર રીપેરીંગના પૈસા આપી દીધા હોવા છતાં એસી રીપેર કરનાર કારીગરે અવારનવાર રૂબરૂ આવી ધમકી આપવાની સાથે વોટ્સએપ કોલ ઉપર ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કેળાનો વ્યાપાર કરતા અને શુભ રેસ્ટોરન્ટ પાછળ અંકુર સોસાયટીમાં રહેતા દિપકભાઈ મોહનભાઈ ચંદવાણીએ તેમના કેળાના ગોડાઉનમાં ફિટ કરેલ એસી રીપેરીંગ માટે અવારનવાર વાવડીરોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા ભવદીપભાઇ રમેશભાઇ કાનાણી પાસે રીપેરીંગ કામ કરાવતા હતા અને રીપેરીંગના કામ બદલ અત્યાર સુધીના તમામ નાણાં ચૂકવી આપ્યા હતા.

- text

આમ છતાં એસી રીપેરીંગ કરતા આરોપી ભવદીપભાઇ રમેશભાઇ કાનાણીએ કારણ વગર દિપકભાઈ મોહનભાઈ ચંદવાણી પાસે એસી રીપેરીંગના નાણાંની ઉઘરાણી કરી ઘરે જઈ ધમકી આપવા ઉપરાંત અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરી તેમજ વોટ્સએપ કોલ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે એસી રિપેરિંગનું કામ કરતા ભવદીપ કાનાણી વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૭,૫૦૪,,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text