મોરબી જિલ્લામાં 15 થી 18 વર્ષના 41હજાર વિદ્યાર્થીઓનું સ્કૂલો – કોલેજમાં જ રસીકરણ

- text


 

વિદ્યાર્થીઓ ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકશે

મોરબીઃ મોરબી જિલ્લામાં 15 થી 18 વર્ષના આશરે 41 હજારથી વધુ વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓને કોરોના વેક્સિન આપવાનું સુદ્રઢ આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સરળતા માટે સ્કૂલો અને કોલેજોમાં પણ રસીકરણ સેશન ગોઠવી રસી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનસાઈટ રજિસ્ટ્રેશન કરાવીને આસાનીથી રસી લઈ શકશે.

આગામી તારીખ ૦૩/૦૧/૨૦૨૨થી કોરોના વેક્સિન (કોવેક્સિન) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૧૭૪૯ યુવાનો અને યુવતીઓને કોરોના વેક્સિન (કોવેક્સિન) આપવા આયોજન કરાયું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણનાં ભાગ રૂપે અને કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબજ અગત્યનું છે. સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉમર ધરાવતા યુવાનો અને યુવતીઓને કોરોના વેક્સિન આપવા માટેનું આયોજન કરેલ હોય, તેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ તારીખ ૦૩/૦૧/૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉમર ધરાવતા યુવાનો અને યુવતીઓને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં શિક્ષણ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉમર ધરાવતા અને શાળા- કોલેજમાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૮૧૯૦ માળીયા તાલુકામાં ૧૬૩૦, વાંકાનેર તાલુકામાં ૭૨૮૮, ટંકારા તાલુકામાં ૫૬૭૦, તથા હળવદ તાલુકામાં ૮૯૭૧ આમ જિલ્લાના આશરે કુલ ૪૧૭૪૯ યુવાનો અને યુવતીઓને કોરોના વેક્સિન આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરાયું છે. ૧૫ થી ૧૮ વર્ષનાં યુવાનો અને યુવતીઓને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી તારીખ ૩ જાન્યુઆરી-૨૦૨૨ થી ૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અને જે સ્કૂલો કે કોલેજમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉમર ધરાવતા યુવાનો અને યુવતીઓ અભ્યાસ કરે છે તે દરેક સ્કૂલો અને કોલેજમાં જ કોરોના રસીકરણ સેશનનું આયોજન કરી રસીકરણ કરવામાં આવશે

- text

કોરોના રસીકરણ માટે વિધાર્થી-વિધાર્થિનીઓ આધારકાર્ડ અથવા પાસપોર્ટનાં આધારે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજિસ્ટ્રેશન કરાવીને પણ રસી લઈ શકશે. અને જો કોઈ વિધાર્થી-વિધાર્થિનીઓ પાસે આધારકાર્ડ અથવા પાસપોર્ટ બેમાંથી એક પણ આઈકાર્ડ ન હોય તો તેઓ સ્કૂલ કે કોલેજ દ્વારા આપવામાં આવેલ આઈ કાર્ડથી પણ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અથવા સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. ઉપરાંત શાળા કે કોલેજમાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૫ થી ૧૮ વર્ષનાં યુવાનો અને યુવતીઓ પણ આધાર કાર્ડ કે પાસપોર્ટ દ્વારા નજીકની શાળા કે કોલેજો કે આરોગ્ય સંસ્થાનાં કોવેક્સિન રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે.

જેથી તા.3 જાન્યુઆરી-૨૦૨૨થી ૭ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉમર ધરાવતા વિધાર્થી-વિધાર્થિનીઓ પોતાની સ્કૂલ કે કોલેજમાં કોરોના રસીકરણ સેશનનાં સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા મોરબી જિલ્લાના તમામ વિધાર્થી-વિધાર્થિનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને હીરાભાઈ ટમારિયા ચેરમેન, આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત મોરબી તથા ડો. જે.એમ.કતીરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી તેમજ ડો. વિપુલ કારોલીયા જિલ્લા આર.સી.એચ. અધીકારી, જિલ્લા પંચાયત મોરબીએ અપીલ કરી છે.

- text