સિરામીક એક્સપોર્ટ તળિયે : ડોમેસ્ટિક માર્કેટમાં પણ ટાઢોડું

- text


આઠ મહિનામાં માત્ર 8379 કરોડનું એક્સપોર્ટ : જીવીટી, પીજીવીટી, ડબલ ચાર્જ, પૉર્સલેન, સહિતના તમામ સેગમેન્ટમાં મંદી.. મંદી… : ફેકટરીમાં ઉત્પાદિત 50 ટકા માલનો સ્ટોક!

મોરબી : કોરોના મહામારીના કપરા કાળમાં પણ સતત ધમધમતા રહેનાર સિરામીક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે રો- મટીરીયલ, ગેસના ભાવમાં થયેલા અનહદ વધારા બાદ એક્સપોર્ટ તળિયે બેસી ગયું છે તો બીજી તરફ ડોમેસ્ટિક માર્કેટમાં પણ ટાઇલ્સનો ભાવ વધારો નડી જતા હાલમાં સિરામીક એકમોમાં ઉત્પાદિત કુલ માલના 50 ટકાથી વધુ માલનો સ્ટોક કરવો પડી રહ્યો હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. વિશ્વના 175 દેશમાં મોરબીની સિરામીક પ્રોડકટનું એક્સપોર્ટ થાય છે અને વર્ષે 15 હજાર કરોડના એક્સપોર્ટ સામે આ વર્ષ એપ્રિલથી નવેમ્બરના આઠ મહિનાના સમય ગાળામાં માત્ર 8379 કરોડનું જ એક્સપોર્ટ થયું છે.

સિરામીક હબ મોરબીમાં વર્ષે દહાડે 15000 કરોડથી વધુની ટાઇલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટનું એક્સપોર્ટ થાય છે પરંતુ ચાલુ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ભાડા અને કન્ટેનર ભાડામાં થયેલા વધારાને પગલે હાલમાં મોરબીના સિરામીક ઉદ્યોગના નિકાસના આંકડા તળિયે બેસવા લાગ્યા છે. સામાન્ય રીતે દર મહિને મોરબીના ઉદ્યોગકારો દ્વારા 1100થી 1200 કરોડનું એક્સપોર્ટ કરે છે પરંતુ છેલ્લા ત્રણ માસમાં આ એક્સપોર્ટના આંકડા ઘટીને 890થી 991 કરોડ વચ્ચે આવી ગયા છે. મોરબીમાં ઉત્પાદિત કુલ સિરામીક પ્રોડક્ટ પૈકી 30થી 35 ટકા પ્રોડક્ટ એક્સપોર્ટ થતી હતી પરંતુ કન્ટેનર ભાડામાં થયેલા બમણાથી વધુ ભાવ વધારાને કારણે મોટો ફટકો સહન કરવો પડ્યો છે.

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ અને અગ્રણી એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા મુજબ રો મટિરિયલના ભાવ વધારા અને કન્ટેનર ભાડામાં વધારા બાદ નિકાસને માઠી અસર પડી છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિના બાદ ગેસના ભાવમાં થયેલા તોતિંગ ભાવ વધારાથી સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી ગઈ હોય તેવી સ્થિતિ છે. ચાલુ વર્ષમાં એપ્રિલ માસમાં 1124 કરોડ, મેં માસમાં 1189 કરોડ, જુનમાં 1145 કરોડની નિકાસ સામે સપ્ટેમ્બર માસમાં નિકાસ ઘટીને 892 કરોડ પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં થોડા સુધારા સાથે 991 કરોડનું એક્સપોર્ટ થયું હતું અને ફરી નવેમ્બર માસમાં નિકાસ ઘટીને 891 કરોડ થઈ જવા પામી છે.

વધુમાં મોરબીના અગ્રણી સિરામીક ઉદ્યોગપતિ મુકેશભાઈ ઉઘરેજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં એક્સપોર્ટ માર્કેટ કુલ ઉત્પાદનના 10 ટકા થયું છે. અગાઉ આ રેશ્યો 30થી 35 ટકા જેટલો ઉંચો હતો. એ જ રીતે સ્થાનિક માર્કેટ પણ ઘટની 40થી 50 ટકા થઈ જતા હાલમાં મોટાભાગના સિરામીક એકમોમાં કુલ ઉત્પાદિત થતા માલના 50 ટકાનો સ્ટોક કરવો પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. અને આ સ્થિતિ માટે રો મટિરિયલના ભાવ વધતા ઉંચી પડતર ઉપરાંત ગેસના વધેલા ભાવ જવાબદાર હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text

જો કે, વિશ્વભરમાં ડંકો વગાડી કેન્દ્ર – રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામીક ઉદ્યોગ માટે હાલ તો કપરો કાળ ચાલી રહ્યો છે. હાલના સંજોગો જોતા સિરામીક ઉદ્યોગને સતાવી રહેલા ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલવો ખૂબ જ જરૂરી હોવાનું અને ગુજરાત ગેસની મોનોપોલી સામે તંદુરસ્ત હરીફાઈ માટે અન્ય ગેસ કંપનીને મોરબીમાં ગેસ સપ્લાયમાં માર્કેટમાં ઉતારવાની માંગ સ્વીકારવામાં આવશે તો જ આવનાર દિવસોમાં મોરબીનો સિરામીક ઉદ્યોગ ચીન સામે ટક્કર લઈ શકે તેમ હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text