ભારે કરી ! સરપંચ પદના ઉમેદવારને પોતાનો મત પણ ન મળ્યો

- text


વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે અનોખો કિસ્સો સામે આવ્યો : સરપંચ પદના ઉમેદવાર ને શૂન્ય મત

વાંકાનેર : આજે ગ્રામ પંચાયત ચૂંટણીના મહાસંગ્રામમાં મતગણતરી સમયે અવનવી બાબતો સામે આવી છે જેમાં હળવદ તાલુકામાં બે ગામોમાં વોર્ડ સભ્ય ઉમેદવારો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી નાખી વિજેતા નક્કી કરાયા હતા તો વાંકાનેર ચિત્રાખડા ગામમાં ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં સરપંચ પદના ઉમેદવારને ખુદ પોતાનો મત ન મળવાની સાથે શૂન્ય મત મળતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવતા સરપંચ પદ માટે ચૂંટણી લડતા સાકુબેન બાબુભાઇ ડાભીને 489 મત, શાંતુબેન જલભાઈ ડાભીને 455 મત અને આશ્ચર્યજનક રીતે સરપંચ પદના ત્રીજા ઉમેદવાર એવા અનુબેન સામતભાઈ ડાભીને 00 મત મળ્યા હતા. આ સંજોગોમાં સવાલ એ ઉઠે કે સરપંચ પદના દાવેદાર અનુબેન સામતભાઈ ડાભીને પોતાનો મત કેમ ન મળ્યો ? હકીકતમાં આ ઉમેદવારે પોતાના નિશાન ને બદલે નીચેના ભાગે અન્ય ઉમેદવાર અને પોતાના નામ વચ્ચેના ભાગે ચોકડી મારતા તેમનો ખુદનો મત રદ્દ થઈ ગયો હતો.

- text

ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામમા કુલ 1215 મતદારો પૈકી 553 પુરુષ અને 441 સ્ત્રી સહિત કુલ 976 મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી 80.33 ટકા જેટલું ઊંચું મતદાન કર્યું હતું. જો કે, ચિત્રાખડા ગામના ત્રિપાખીય ગ્રામીણ ચૂંટણી જંગમાં ત્રીજા ઉમેદવાર ક્લીન સ્વીપ થતા અનોખો રેકોર્ડ પણ સર્જાયો હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text